એમડી ડ્રગ્સ ભીવંડીથી દુબઇ, ગુજરાતમાં વાયા મુંદરા થઈ સાઉથ આફ્રીકા પહોંચ્યું?
ભુજ: છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના શહેરોમાં બંધ પડેલી નિર્જન ફેક્ટરીઓમાં વિવિધ પ્રકારના માદક પદાર્થોને બનાવવાના કારોબાર ચાલી રહ્યા હોવાના અહેવાલો છાશવારે બહાર આવતા રહે છે એ વચ્ચે રાજ્યના ત્રાસવાદ વિરોધી દળે એકાદ દિવસ અગાઉ મુંબઈના ભીવંડીમાં એક ફ્લેટ ભાડે રાખીને એમ.ડી ડ્રગ્સ બનાવતા બે સહોદારોને ઝડપી લઇ 800 કરોડની આંતરાષ્ટ્રીય બજાર કિંમતનું મેકડ્રોન ડ્રગ્સ કબજે કર્યું હતું જે દુબઈના એક પેડલરના ઇશારે બનાવવામાં આવતું હતું.
આ પ્રકરણમાં અને તાજેતરમાં ભરૂચના દહેજની એક કંપનીમાંથી પ્રતિબંધિત નશાકારક ટ્રામાડોલ ટેબલેટનો પાવડર મળ્યો હતો. જેનો સીધો સંબંધ આતંકવાદી સંગઠનો સાથે હોવાં અંગેની એટીએસને મહત્વની કડી મળતા વધુ તપાસ અર્થે કેટલાક અધિકારીઓ મુંબઈ ઉપરાંત સરહદી કચ્છના મુંદ્રા અદાણી બંદર પર જઈ ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો :કચ્છના સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની બિનવારસ બોટ ઝડપાઇ
મુંબઈના ભીવંડીથી માદક પદાર્થનો જથ્થો દુબઈ અને અમદાવાદ-ભરૂચ દહેજથી વાયા મુંદ્રા થઈ અને સાઉથ આફ્રીકા સુધી આઈએસઆઈના આતંકીઓ માટે ટ્રોમાડોલની ગોળીઓ પહોંચતી થઇ હોવાના ખુલાસા બાદ ત્રાસવાદ વિરોધી દળની અન્ય ટુકડી હાલ મુંદ્રા બંદર પર તપાસ કરી રહી છે જેમાં અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવશે તેવું જાણકારો કહી રહ્યા છે.
ડ્રગ્સ મુક્ત ગુજરાત માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન અંતર્ગત ગુજરાત એટીએસના અધિકારીઓ દ્વારા ડ્રગ પેડલરો માટે સોફ્ટ પેસેજ સમા કચ્છના બંદરો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યાં છે જેમાં દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોતરાશે તેવું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લ્લેખનીય છે કે, કચ્છના સાગર કાંઠેથી સામેપારથી ઠલવાઈને આવી જતાં કરોડો રૂપિયાના મૂલ્યના બિનવારસુ માદક પદાર્થના જથ્થામાં એમ.ડી ડ્રગને બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં મોંઘા એમ્ફેટામાઇન દ્રવ્યના પડીકાં પણ અનેક વખત મળી ચુક્યા છે.