ભચાઉના કંથકોટ પાસે સીમ વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં સેંકડો પક્ષીઓના મોત

ભુજ: રણપ્રદેશ કચ્છમાં દિવાળી પૂર્વે આગજનીના બે બનાવો સામે આવતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા, સદ્ભાગ્યે જાનહાની ટળી હતી પરંતુ મૂંગા જીવોનો ભોગ લેવાયો હતો.
અગ્નિશમન દળના પ્રદીપભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર, ભચાઉ તાલુકાના પ્રાચીન કંથકોટ ગામ નજીકના સીમ વિસ્તારમાં કોઈ અજ્ઞાત કારણોસર ગત શુક્રવારની સવારના દસેક વાગ્યાના અરસામાં ફાટી નીકળેલી ભીષણ આગ મોડી રાત્રી સુધી ધધકતી રહી હતી જે આસપાસના વિસ્તારમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે ઘાસચારો અને વૃક્ષો સહીત સંખ્યાબંધ રૂપકડાં પક્ષીઓ સળગીને રાખ બની ગયાં હતાં. લગભગ દસથી બાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
બીજી તરફ, અબડાસા તાલુકાના મોટી સિંધોડી ખાતે આવેલા ખાનગી કંપનીના ખુલ્લા સ્ટોરેજમાં આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારોમાં ભય ફેલાયો હતો
ફાયર ટીમના પ્રવીણ દાફડાના જણાવ્યા પ્રમાણે, આગના કારણે સ્ટોરેજમાં રાખવામાં આવેલી સામગ્રી નષ્ટ થઈ ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે ભુજથી આવેલા ફાયર ફાઇટરોએ લગભગ પાંચેક કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને ઠારી હોવાનું દાફડાએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો…દાંત ચમકાતી ટૂથપેસ્ટ પણ નકલીઃ રાપરના ચિત્રોડમાં નકલી ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઇ