સોશિયલ મીડિયા પર બંદુક સાથેની હીરોગીરી ભારે પડી, જોકે પોલીસે…
ભુજ: સોશિયલ મીડિયા પર રોબ જમાવવા યુવાનો કંઈક ગતકડાં કરતા હોય છે, આવો જ એક પ્રયાસ કચ્છના યુવાને કર્યો હતો, પરંતુ પોલીસે સમજદાર બતાવતા તેને કાયદાનુ ભાન કરાવ્યું હતું. જોકે પોલીસે આક્રમક વલણ ન દાખવતા યુવાનને સમજાવ્યો હતો.
વાસ્તવિક પડકારોનો સામનો કરવાને બદલે સોશિયલ મીડિયાની આભાસી દુનિયામાં ચોવીસે કલાક જીવી રહેલા આજના યુવાઓ ઇન્સ્ટાગ્રામ,ફેસબુક યુટ્યુબ,સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ્સ પર વટ પડાવવાના ચક્કરમાં ક્યારેક મોટી મુસીબતમાં ફસાઈ જતા હોય છે. આવા જ એક કિસ્સામાં પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામે સ્થિત સાંઇ આશિષ સોસાયટીમાં રહેતા યુવાનને ફિલ્મી અંદાજમાં નકલી બંદૂક સાથે પોસ્ટ કરેલી રીલ વાયરલ કરવી ભારે પડી છે.
આ પણ વાંચો: રીલ બનાવવા મહાત્મા ગાંધીની પ્રતિમાના મોંમાં ફટાકડા રાખી ફોડ્યા, VIDEO વાયરલ…
આ અંગે અંજાર વિસ્તારના પી.આઇ એ.આર.ગોહિલે જણાવ્યું હતું કે, ગત ૧૪મી ડિસેમ્બરના રોજ રિવોલ્વર જેવું હથિયાર લઇને રહેતો ફારૂક રફિક ચૌહાણ આસપાસના લોકોમાં ભયનો માહોલ ઉભો કરતો હોય તે પ્રકારની સોશિયલ મિડીયા પર વાયરલ થઇ રહેલી રીલ તેમના ધ્યાને આવી હતી.
ત્યારબાદ અલગ-અલગ ટુકડીઓ બનાવી ફરૂકને ઝડપી લેવામાં આવ્યો હતો અને પુછપરછ કરતાં તેના હાથમાં નકલી રિવોલ્વર હોવાનું અને તે રિલ્સ બનાવતો હોવાનું જણાવતાં તેને સોશિયલ મીડિયા પર વાઇરલ થવા સીન-સપાટા કરવાની હરકતોથી બચવાની તાકીદ સાથે કાયદો સમજાવતાં ફારૂકે માફી માગી હતી. આ સાથે તેણે અન્ય યુવાનોને પણ આ પ્રકારે રિલ્સ ન બનાવવાનો સંદેશ આપ્યો હતો.