કચ્છના કાંઠાળ વિસ્તારો પર મેઘમહેર જારી: માંડવીમાં વધુ ત્રણથી સાડા ચાર ઈંચ વરસાદ

ભુજઃ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે શુભ માનવામાં આવતાં આદ્રા નક્ષત્રમાં અને અષાઢી બીજના શુકનવંતા દિવસથી થઇ રહેલા વરસાદે સરહદી કચ્છના કાંઠાળ પટ્ટામાં અને ખાસ કરીને બંદરીય માંડવી તાલુકામાં ચાર ઇંચથી વધારે વરસાદ વરસાવી દેતાં ટુરિસ્ટ હોટસ્પોટ તરીકે ઓળખાતું આ પ્રાચીન નગર જાણે જળમગ્ન બન્યું છે.
વીતેલા ૨૪ કલાક દરમ્યાન માંડવીમાં સર્વાધિક સાડા ચાર ઇંચ, તાલુકામાં દોઢથી બે ઇંચ, અબડાસા તાલુકામાં એકથી અઢી જેટલી વાવણી થયેલા પાકો માટે સંજીવની સમી ધીંગી મહેર વરસાવી છે. માંડવીમાં ભારે વરસાદ ખાબકતાં નાના તળાવો, ડેમો તથા ખેતરોમાં પાણી ભરાયાં છે. નીચાણવાળા વિસ્તારો આઝાદ ચોક, લાકડાં બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલ મળી રહ્યા છે.
બીજી તરફ, કાંઠાળ અબડાસાના કોઠારા સહિતના વિસ્તારમાં દોઢેક ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે.
કોઠારામાં પોણા ઇંચ તેમજ નાગોર ગામમાં એક ઇંચ વરસાદથી બજારોમાંથી પાણી વહી નીકળ્યાં હતાં તેમજ ખેતરોમાં પાણી ભરાયાં હતા. આસપાસના ધનાવાડા, અરજણપર સહિતના ગામોમાં નોંધપાત્ર વરસાદથી ગામમાં જોશભેર પાણી વહ્યાં હતાં. નખત્રાણા પંથકમાં પણ ડરામણી મેઘગર્જનાઓ સાથે અંદાજે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નખત્રાણા શહેરની કૈલાશનગર સોસાયટીમાં સ્થિત જગદીશ કેશરાણીના ઘર પર વીજપ્રપાત થતાં ઘરવખરીને નુકશાન પહોંચ્યું હતું. સદ્ભાગ્યે જાનહાની ટળી હતી. કેશરાણી વીજળી પડવાના થોડા સમય અગાઉ અગાશી પર નળ બંધ કરવા ગયા હતા. શરીરમાં ઝણઝણાટી થવા માંડતા ત્વરિત નીચે આવ્યા અને ત્યારે જ ગગનભેદી ધડાકા સાથે વીજ પ્રપાત થયો હતો.
બીજી તરફ, કિલ્લેબંધ ભુજ શહેરમાં ધીમી ધારે ઝાપટાઓનો દોર જારી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને અકળાવનારા બફારામાંથી આંશિક રાહત પહોંચી છે.
ભુજ ઉપરાંત ગાંધીધામ,આદિપુર,અંજાર સંકુલમાં પણ ધીમી ધારે વરસાદે હાજરી પૂરાવતાં બફારા અને ઉકળાટથી પરેશાન લોકોને રાહત થઇ છે. સતત રહેલા ભેજવાળા વાતાવરણને કારણે લોકોમાં શરદી-તાવ,ઉધરસ જેવી બીમારીએ માથું ઉંચક્યું હોવાનું ભુજના તબીબ ડો.પ્રિતેશ સોનીએ જણાવ્યું હતું. દરમ્યાન, કચ્છમાં નૈઋત્ય ચોમાસું બેસી ગયાની સત્તાવાર જાહેરાત સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર રૂફની અસર હેઠળ આગામી ૩જી જુલાઈ સુધી કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ વરસવાની મોસમ વિભાગે આગાહી કરતાં સ્થાનિક વહીવટી તંત્ર સાબદું બન્યું છે.
આ પણ વાંચો…‘કાં વાદળ કાં વીજ’: કચ્છી નવા વર્ષનું શુકન સચવાયું: લખપત, ભુજમાં વરસાદ