Mandvi murder: પ્રેમાંધ બનેલા યુવક સામે 7 દિવસમાં ચાર્જશીટ રજૂ કરાઈ

ભુજ: ગત ૩૦મી ડિસેમ્બરના રોજ સરહદી કચ્છના બંદરીય માંડવી તાલુકાના ગોધરા ગામે વહેલી સવારે બસ સ્ટોપ પાસે ઊભીને તુંબડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારીત જગ્યા પર નોકરી પર જવા બસની પ્રતીક્ષા કરી રહેલી ગવરી તુલસીદાસ ગરવા નામની પરિચારિકાને મોટરસાઇકલ પર આવેલા બે શખ્સ પૈકીના પ્રેમાંધ યુવાન દ્વારા તલવાર અને ગુપ્તી વડે ઘાતકી હત્યા કરાવાના રાષ્ટ્રીય સ્તરે ચકચારી બનેલા ગુનામાં પોલીસે એક જ સપ્તાહની અંદર હત્યારા સામે ચાર્જશીટ રજૂ કરી દીધી છે.
ગવરી ઘરેથી પગપાળા નીકળી બસ સ્ટેન્ડ તરફ જતી હતી ત્યારે કોડાય રહેતા સાગર સંઘાર નામના યુવકે તલવાર અને ગુપ્તી વડે હુમલો કરી સ્થળ પર હત્યા નીપજાવી હતી.
ભુજમાં યોજાઈ હતી મૌન રેલી
આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે ગત શનિવારે ભુજમાં સર્વ સમાજ અને રાજકીય પક્ષોએ મૌન રેલી યોજી હતી. આરોપી સામેનો ખટલો ઝડપથી પૂરો થાય તે માટે ફાસ્ટ ટ્રેક કૉર્ટમાં ટ્રાયલ ચલાવવા, હતભાગીને ન્યાય મળે તે માટે વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવા, મૃતકના પરિવારજનોને સરકારી રાહે વળતર આપવા સહિતની માંગણીઓ મૂકાઈ હતી. લોકમાંગણીનો પડઘો પડતો હોય તેમ રેન્જ આઈજી ચિરાગ કોરડીયાની સૂચનાના પગલે એસસી/એસટી સેલની ટુકડીએ ફક્ત સાત દિવસમાં જ જરૂરી સજ્જડ પૂરાવા એકત્ર કરી લઈને આરોપી સામેની તપાસ પૂરી કરી દઈ કૉર્ટમાં તહોમતનામું દાખલ કરી દીધું છે.
આ પણ વાંચો…HMPV પોઝિટિવની માહિતી છુપાવવા બદલ ઓરેન્જ હોસ્પિટલને AMCની નોટિસ
આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નીમવા માટે પણ પોલીસ તંત્રએ સંબંધિત સરકારી વિભાગોને ભલામણ કરતો પત્ર પાઠવ્યો છે.
પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આરોપી સાગર સંઘાર અને મૃતક વચ્ચે છએક માસથી પ્રેમ સંબંધ હતો. સાગર ગવરી જોડે લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ ગવરીએ લગ્ન કરવાનો સાફ ઈન્કાર કરી દેતાં રોષે ભરાઈને તેણે તેની હત્યા કરવાનું ષડયંત્ર ઘડ્યું હતું. ગવરીના નિત્યક્રમથી વાકેફ સાગર મોટરસાઇકલ પર બનાવસ્થળે આવ્યો હતો અને ગવરીનું ઢીમ ઢાળી દીધા બાદ પોતે ઝેર પીધું હોવાનું કહીને સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો.