ભુજ

માત્ર સાત વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય કરી તેને મારી નાખનારને જન્મટીપની સજા

ભુજઃ કપરા કોરોના કાળ વખતે કચ્છના ભચાઉ તાલુકાના લાખાપર ગામમાં રહેનારી સાત વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી, ખંડેર થઇ ગયેલા મકાનની અંદર દુષ્કર્મ ગુજાર્યા બાદ, બાળકીનું ગળું દબાવીને નિર્મમ હત્યા કરનારા કળીયુગી હેવાનને ભચાઉની વિશેષ પોક્સો કોર્ટે ૨૦ વર્ષના સખ્ત કારાવાસ સાથે જનમટીપની સજા ફટકારી છે.

ગત ૨૬-૧૦-૨૦૨૦ની બપોરે ભોગ બનનાર બાળકીની માતાએ નજીકમાં રહેતા કાકાના ઘરની ટાંકીમાં પાણી છે કે નહીં તે જાણવા માટે મોકલી હતી.

જો કે બાળકી લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતાં ચિંતાતુર પરિવાર અને સમગ્ર ગામ તેની શોધમાં નીકળી પડ્યું હતું. બાળકી ભેદી સંજોગોમાં ગાયબ થઇ ગઈ હોવા અંગેનો વોટસએપ પર સંદેશ મળતાં સામખિયાળીના તત્કાલિન પો.સ.ઈ. વી.જી. લાંબરિયા, ભચાઉના તત્કાલિન પીઆઈ એ..એન. કરંગિયા સહિતનો પોલીસ કાફલો પણ ગામ લોકો જોડે સર્ચ ઓપરેશનમાં જોડાયો હતો.

આ પણ વાંચો: સગીરા પર દુષ્કૃત્યનો મામલે પોલીસે આરોપીઓની કરી ધરપકડ

આ દરમ્યાન બીજા દિવસે સવારે આ પરિવારના મકાનથી થોડેક દૂર આવેલા બંધ પડેલા ઘરમાં રસોડા પાસે જમીન પર બાળકીનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલ્યો જેમાં બાળકી જોડે બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચરીને ગળું દબાવી તેની હત્યા કરી નાખી હોવાનો રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ સામખિયાળી પોલીસ ઉપરાંત સ્થાનિક ગુન્હાશોધક શાખા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જેવી પોલીસની ખાસ બ્રાન્ચોએ ગહન તપાસ કરીને ત્રીજા દિવસે માળિયા પાસેથી લાખાપરના જ ૨૨ વર્ષીય અપરિણિત આરોપી વિજય પ્રતાપ કોલી (મહાલિયા)ની ધરપકડ કરી હતી.

પોલીસે ભોગ બનનાર બાળકીના શરીરમાંથી મળેલાં વીર્ય સાથે આરોપીના ડીએનએનો ટેસ્ટ કરાવ્યો જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો: ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ દ્વારા બળાત્કારનો આરોપ લાગતા તપાસ પહેલા જ યુવાનનો આપઘાત

આ ચકચારી કેસમાં સરકાર તરફે રજૂ થયેલાં ૩૪ સાક્ષીઓ અને ૧૬ દસ્તાવેજી આધાર પુરાવા, સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ અપરાધીને ફાંસીની સજા ફટકારવા કરેલી રજૂઆતને સાંભળ્યા બાદ ભચાઉ પોક્સો કોર્ટના વિશેષ જજ અંદલિપ તિવારીએ વિજય કોલીને પોલીસે લગાડેલી તમામ કલમો તળે દોષી ઠેરવીને સખ્ત સજા ફટકારી છે. કોર્ટે આરોપી પાસેથી વસૂલ થનારાં દંડના ૨૧ હજાર રૂપિયા ઉપરાંત વિક્ટીમ કોમ્પેન્સેસન સ્કિમ હેઠળ પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથરોટીને નિર્દેશ આપ્યો છે.

ધરપકડ થયાં બાદ વિજયને કૉર્ટે જામીન આપ્યાં નહોતા અને સમગ્ર ટ્રાયલ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે ચાલી હતી તેમ સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ ઉમેર્યું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button