ભુજ

ભચાઉમાં કુકુ એફએમનું સબક્રિપ્શન બંધ કરાવવું શખ્સને ભારે પડયું: ખાતામાંથી પૈસા ઉપડી ગયા

ભુજઃ અત્યારની ડિજિટલ ક્રાંતિ વચ્ચે બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના લોકો ઓનલાઇન ઠગીના શિકાર બની રહ્યા છે તેવામાં પૂર્વ કચ્છના ભચાઉના વ્યક્તિને સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલાં એપ્લિકેશનનું સબક્રિપ્શન બંધ કરાવી દેવાના બહાને સાયબર ફ્રોડસ્ટરે તેમના ખાતામાંથી બારોબાર રૂા. ૭૮,૯૯૫ ઉપાડી લીધા હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે.

ભચાઉના રામવાડી વિસ્તારમાં રહેનાર જીતેન્દ્રકુમાર દિનેશચંદ્ર ઓઝાએ તેમના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલી જાણીની કૂકૂ એફ.એમ. એપ્લિકેશનનું સબક્રિપ્શન બંધ કરાવવું હતું. તેઓએ આ એપ્લિકેશનમાં જોવાને બદલે ગૂગલ સર્ચ પર કુકુનો કહેવાતો હેલ્પલાઇન નંબર મેળવી તેના પર ફોન કર્યો હતો. ફોન ઉપાડનારા ભેજાબાજે સબક્રિપ્શન બંધ કરાવવા ફોન ચાલુ રાખવા, ફોન-પે ચાલુ કરવા તથા ઓ.ટી.પી. આપવા કહેતાં ફરિયાદીએ તેમ કર્યું હતું.

આપણ વાંચો:  અમદાવાદ પ્લેનક્રેશઃ 210 મૃતદેહોના ડીએનએ મેચ થયાઃ નાના બાળકોના ડીએનએ મેચ કરવાનું કામ કપરું

ઠગ શખ્સે થોડીવારમાં સબક્રિપ્શન બંધ થઇ જશે તેવું કહ્યું હતું. ફરિયાદીએ થોડીવાર બાદ તપાસ કરતાં તે બંધ ન થતાં ફરીથી તે નંબર ઉપર ફોન કર્યો હતો, પરંતુ તે ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. દરમ્યાન, આધેડે ફોન પેની તપાસ કરતાં ત્રણ ટ્રાન્ઝેક્શન થકી તેમના રૂા. ૭૮,૯૯૫ બારોબાર ઉપાડી લેવાનું ધ્યાને આવ્યું હતું. સાયબર પોલીસે આ બનાવ અંગે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે અને ગુગલ સર્ચ પર મેળવેલા વિવિધ ફોન નંબરોથી સાવધાન રહેવા અપીલ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button