કચ્છમાં ગૃહિણી બની ‘ડિજિટલ એરેસ્ટ’નો ભોગ: હજારો રુપિયાની કરાઈ છેતરપિંડી
ભુજ: કચ્છના માધાપરમાં ડિજિટલ એરેસ્ટનો (digital arrest) બનાવ સામે આવ્યો છે. ઓનલાઇન ઠગો દ્વારા મુંબઈની ક્રાઇમ બ્રાન્ચનો (mumbai crime branch) હવાલો આપી ભુજના માધાપરની ગૃહિણીને (madhapur women) એક પાર્સલમાં ડ્રગ્સ-ડોલર અને નકલી પાસપોર્ટ (drugs,dollar and fake passport) મળ્યાનું જણાવી રૂા.૯૬,૭૭૬ની છેતરપિંડી આચરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ સેલએ ગયેલી રકમને તત્કાળ ફ્રિઝ કરાવીને ભોગ બનનારને પરત અપાવ્યા હતા.
શું છે મામલો
માધાપરના ગૃહિણીને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, ફેડ-એક્સ કુરિયરમાંથી તમારું પાર્સલ પરત થયું છે. જો તમે કસ્ટમર કેરથી વાત કરવા માંગતા હોવ તો બે દબાવો. આથી ગૃહિણીએ બે દબાવતા કહેવાતા કસ્ટમર કેરવાળાએ જણાવ્યું કે, તમારું પાર્સલ કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા અટકાવવામાં આવ્યું છે અને તે પાર્સલમાં એમ.ડી.ડ્રગ્સ, હાર્ડડ્રાઈવ, ડોલર તથા નકલી પાર્સપોર્ટ છે અને આ બાબતે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં એફ.આઈ.આર. દાખલ થઈ છે.
જો આ પાર્સલ તમે મંગાવ્યું ન હોય તો તમે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને રૂબરુ રજૂઆત કરી શકો છો. થોડી જ વાર બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનેલા એક ઈસમે ગૃહિણીને ફોન કરી વીડિયો કોલિંગ માટે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું જણાવ્યું હતું. બાદમાં સ્કાય-પે પર વીડિયો કોલમાં પોતે ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી હોવાનું નકલી આઈકાર્ડ તથા બનાવટી એફઆઈઆર બતાવ્યા અને કહ્યું કે, આ પાર્સલ તમારા નામે ઈરાનના શેખે મોકલ્યું છે, જેમાં ડ્રગ્સ, નકલી પાસપોર્ટ વિગેરે છે.
ડરી ગયેલાં ગૃહિણીને એ શખ્સે એક પત્ર મોકલાવ્યો હતો જેમાં એફ.આઈ.આર.ની કોપી બનાવી હતી. જો તમે કોઈ ક્રાઈમ ન કર્યું હોય તો પત્રમાંના એકાઉન્ટ નંબર પર રૂા. ૯૬,૭૭૬ મોકલાવો. જેથી તમારા ખાતાની વિગતો ચકાસી લઈએ અને બાદ પંદર મીનીટમાં જ રૂપિયા પરત ખાતામાં આપી દઈશું. આથી ગૃહિણીએ ડરમાં નાણા મોકલી દીધા. આ બાદ વધુ નાણા માંગતા ઠગાઈ થઈ હોવાનું ધ્યાને આવતા પતિને જાણ કરી હતી. દંપતીએ સાયબર સેલ (એલસીબી)નો સંપર્ક કરતા તાત્કાલિક પત્રવ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે ગુમાવેલી પૂરે-પૂરી રકમ તેમના ખાતામાં પરત અપાવી હતી.