કચ્છના આ શહેરોમાં પશુઓમાં ફરી દેખાયો લમ્પીરોગઃ માલધારીઓ ફફડ્યા | મુંબઈ સમાચાર

કચ્છના આ શહેરોમાં પશુઓમાં ફરી દેખાયો લમ્પીરોગઃ માલધારીઓ ફફડ્યા

ભુજઃ આજથી બરાબર ત્રણ વર્ષ અગાઉ દૂધાળાં પશુઓ માટે જાણે કાળ બનીને ત્રાટકેલા લમ્પી વાઇરસ નામના રોગચાળાના લક્ષણો ધરાવતો રોગ સમગ્ર રાજ્યની સાથે સાથે કચ્છના કેટલાક વિસ્તારોમાં ફરી દેખાવા લાગતાં માલધારીઓ ચિંતિત બન્યા છે.

માંડવી તાલુકાના કાઠડા, શિરવા, નાના લાયજા સહિતના ગામડાંઓમાં આ રોગ વિશેષ રૂપે દેખાઇ રહ્યો છે. કેટલાક પશુ ઢીલા પડી રહ્યા છે અને પછી પગમાં ઇજા પહોંચી હોય તેવા ધાબા પણ દેખાઈ રહ્યા છે.

આપણ વાંચો: રાજકોટ જિલ્લામાં પશુરોગો સામે પશુધનનું સઘન રસીકરણ: 33,316 પશુઓને રસી અપાઈ…

માંડવી ઉપરાંત મુંદરા, રાપર, ગાંધીધામ-અંજાર વિસ્તારમાં મુખ્યત્વે દૂધાળા ઢોરોના આંચળમાં પાંચડો નામનો રોગ ફેલાયો છે, જે ચેપી છે, જેની અસર પશુપાલકોને પણ થઇ શકે છે જેથી તે વિસ્તારમાં તકેદારી રાખવા પશુ ચિકિત્સકો દ્વારા જણાવાયું છે.

પશુપાલનના હબ સમાન કચ્છમાં ૪૦ લાખ પશુઓનો આગામી ત્રણ-ચાર દિવસમાં સર્વે હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તાલુકા કક્ષાએ ટૂકડીઓ બનાવીને સર્વે હાથ ધરાશે જેમાં મુખ્યત્વે પશુ ચિકિત્સકો અને કુત્રિમ બીજદાન કરતા તબીઓ ખાસ જોડાશે. કચ્છમાં અત્યાર સુધી માત્ર ગૌ માતાઓમાં જ લમ્પીના લક્ષણો દેખાઈ રહ્યાં છે.

આપણ વાંચો: કચ્છમાં ટમેટાનું મબલખ ઉત્પાદનઃ ભાવ ઘટ્તા ખેડૂતો પશુઓને ટમેટા ખવડાવવા મજબૂર…

તંત્ર થયું સાબદું

જે પશુઓમાં આ વાઇરસના લક્ષણો દેખાશે તેના આધારે કચ્છમાં મેઘ વેક્સિનેશન પ્રોગ્રામ હાથ ધરવામાં આવશે તેવું સંયુક્ત પશુપાલન નિયામક કે,જી બ્રહ્મક્ષત્રિયે જણાવ્યું હતું. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં જે કેસો દેખાઈ રહ્યા છે ત્યાં પશુપાલકો ખુદ વેક્સિનેશન કરાવી રહ્યા છે, જો કે હવે કેસોમાં વધારો થતા પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે.

આ અંગે પશુપાલન નિયામક કે,જી બ્રહ્મક્ષત્રિયે જણાવ્યું હતું કે, મચ્છર અને માખી કરડવાથી દૂધાળા પ્રાણીઓ લમ્પીથી સંક્રમિત થઈ રહ્યાં છે.

આ રોગનો શિકાર થયેલા ઢોરમાં ન્યૂમોનિયા થવો, ચામડી પર નાની નાની ગાંઠોનું દેખાવું, પશુનો અચાનક ખોરાક ઓછો કરી દેવો, દૂધના ઉત્પાદનમાં ઘટાડો થઈ જવો કે તેમનો ગર્ભપાત થઈ જવા જેવાં લક્ષણો નજરે ચઢે છે.કચ્છમાં લમ્પીના ફેલાવાને રોકવા અને ગૌવંશ માટે પૂરતી સારવાર વ્યવસ્થા ઉપલબ્ધ હોવાનું તેઓએ ઉમેરી, કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ટૂંક સમયમાં ગાયો પર સર્વે કરવા માટે ખાસ તાલીમબદ્ધ ટુકડીઓને મોકલવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

અગાઉ ડમ્પી વાયરસ ફાટી નીકળ્યો ત્યારે ગાયોના મતદેહોના ખડકલા થયાની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા અને સરકારની ભારે ટીકા થઈ હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button