કચ્છના સુરજબારી હાઇવે પર LPG ટેન્કર પલટી ગયું, વિસ્ફોટથી ૮ વાહનો ભસ્મીભૂત; અનેક મૃત્યુની આશંકા

ભુજ: આજે વહેલી સવારે ટ્રાફિકના આવાગમનથી સતત ગાજતા રહેતા કચ્છના સુરજબારી ધોરીમાર્ગ પરના જુના કટારીયા પાસે ગાંધીધામથી અત્યંત જ્વલનશીલ એલ.પી.જી ગેસ ભરીને મોરબી તરફ જઈ રહેલું ટેન્કર પલટી ગયા બાદ તેમાં ગગનભેદી પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતાં ભય ફેલાયો હતો અને આ વિસ્ફોટની જગ્યા પાસે આવેલી હાઇવે હોટેલમાં પાર્ક થયેલા અંદાજિત ૭-૮ જેટલા વાહનોમાં પણ વિકરાળ આગ ફેલાઈ જતાં ભારે નાસભાગ થઇ પડી હતી. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક ઉપરાંત અન્ય કેટલાક લોકોના મૃત્યુ થવાની આશંકા સેવાઈ રહી છે.
રાજસ્થાનમાં થયેલા ટેન્કર બ્લાસ્ટની ઘટનાની યાદ અપાવતી આ ઘટના અંગે સામખિયાળી વિસ્તારના પી.આઇ વી.કે ગઢવીએ પ્રાથમિક માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગાંધીધામથી લીકવીડ પેટ્રોલિયમ ગેસ ભરીને મોરબી તરફ જઇ રહેલુ ટેન્કર સુરજબારી ધોરીમાર્ગ પર સોમવારે વહેલી સવારે કોઈ કારણોસર પલટી મારી ગયું હતું.

પલટી ગયેલા આ ટેન્કરમાંથી ગેસનો રિસાવ થયા બાદ અચનાક ધકાડા સાથે જોરદાર બ્લાસ્ટ થતાં ટેન્કરના લોખંડના ટુકડા બે-ત્રણ કિલોમીટર સુધી મિસાઈલની જેમ ઉડીને વિખેરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં લાપતા થયેલા ટેન્કરના ચાલકના મોતની આશંકા સેવાઇ રહી છે.
ધડાકાના કારણે નજીકમાં આવેલી એક હોટેલના પાર્કિગમાં પાર્ક કરેલા ૭-૮ જેટલા અન્ય નાના-મોટાં વાહનો પણ આગની ચપેટમાં આવી ગયાં હતા. સૌરાષ્ટ્ર-કચ્છને જોડનારા આ અત્યંત વ્યસ્ત ધોરીમાર્ગ પર અંદાજે ૧૦થી ૧૨ કિલોમીટર સુધી ભારે ટ્રાફિક જામ થઇ જતાં વાહન-વ્યવહાર બાધિત થયો હતો.
દરમ્યાન, ભચાઉના ફાયર મેનના જણાવ્યા પ્રમાણે, તેમને વહેલી સવારના ૫ અને ૧૨ મિનિટે ભચાઉના જૂના કટારીયાની આસપાસ ગેસ ભરેલાં ટેન્કરમાં આગ લાગી હોવા અંગેનો કોલ મળતાં તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ત્રણ-ચાર કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો.



