ભુજ

ભુજ રિસોર્ટમાં ‘પ્રેમલીલા’: પરિણીતા સાથે ભાજપનો અગ્રણી નેતા રંગેહાથ પકડાયો, રૂ.૯૦ લાખમાં પતાવટની ચર્ચા!

ભુજ: એક તરફ ભારતીય જનતા પક્ષના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિતના અગ્રણી નેતાઓ આગામી સમયમાં કચ્છ જિલ્લાની મુલાકાતે આવનાર છે ત્યારે બીજી તરફ ભાજપના એક અગ્રણી નેતા ભુજ નજીક આવેલા એક રિસોર્ટમાં કથિત રીતે પરિણીત મહિલા સાથે પકડાયા હોવાના બિનસત્તાવાર અહેવાલોએ ભારે ચકચાર જગાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપના જાણીતા નેતા એક પરિણીતાને લઈને ભુજ નજીક આવેલા એક રિસોર્ટમાં લઇ ગયા હતા. આ નેતા સાથે પત્નીને આડા સંબંધ હોવાની શંકાના આધારે પીછો કરી રહેલા નૃત્યકળા સાથે સંકળાયેલા પતિએ કોઈ ફિલ્મની વાર્તા જેમ આ રિસોર્ટમાં જઈને આ નેતા અને પત્ની જે રૂમમાં રોકાયાં હતાં ત્યાં ‘દરોડો’ પાડ્યો હતો અને આ બંનેને અશોભનીય પરિસ્થિતિમાં રંગેહાથ પકડી લઈને વીડિયો બનાવ્યો હોવાનું અને આ ભાજપી નેતાએ પોલીસ ફરિયાદથી બચવા માટે પ્રેમિકાના પતિ સાથે ૯૦ લાખ રૂપિયામાં પતાવટ કરી લીધી હોવાનું કહેવાઈ રહ્યું છે.

અલબત્ત, આગામી વર્ષ ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાંથી બાકાત રાખવા માટે આ ભાજપના નેતાને યેનકેન રીતે તેમના વિરોધીઓ દ્વારા આવી રીતે બદનામ કરાતા હોય તેવી પ્રબળ સંભાવના હોવાનું પણ સ્થાનિક રાજકારણમાં ચર્ચાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઠેક વર્ષ પૂર્વે કચ્છના અબડાસા વિસ્તારના ધારાસભ્ય રહી ચૂકેલા ભાજપના એક પીઢ અગ્રણી નેતાની ચાલતી ટ્રેનમાં શાર્પ શુટરો દ્વારા કરી દેવામાં આવેલી કરપીણ હત્યા પાછળ સેક્સ કૌભાંડ અને સેકસ સીડી જવાબદાર હોવાનું ચર્ચાયુ હતું.

આ ઉપરાંત કચ્છ ભાજપના બે નેતાઓ સામે ભૂતકાળમાં દુષ્કર્મની ફરિયાદો થઈ હતી. જે તે સમયે ગુજરાતના કેટલાક નેતાઓએ કથિત રીતે ભાજપના એક નેતાના ફાર્મ હાઉસ ઉપર આચરેલું અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા ‘નલિયા કાંડ’ બહાર આવ્યા બાદ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષ દ્વારા ભારે હોબાળો કરી ગૃહની કાર્યવાહી ખોરવી દેવાતાં સરકારને તપાસ પંચ રચવાની ફરજ પડી હતી.

આપણ વાંચો:  અમદાવાદમાં પતિએ પત્નીને જાહેરમાં છરીના ઘા ઝીંક્યા, 2024માં જ કર્યા હતા પ્રેમ લગ્ન

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button