સુરજબારી ગામમાં ધમધમતી દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઉપર રાજ્યસ્તરની સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી

ભુજઃ ત્રણ વર્ષ અગાઉ ગુજરાતને શર્મસાર કરનારા લઠ્ઠાકાંડ બાદ મોડેથી જાગેલી રાજ્ય સરકારે દેશી દારૂની બદીને નાથવા શરૂ કરેલા ખાસ ઓપરેશન અંતર્ગત ઝેરી શરાબ બનાવવા વપરાતો કાચો માલ જેમાં મુખ્યત્વે વપરાશમાં લેવાતો અખાદ્ય ગોળ અને સીમાડાઓમાં ધમધમતી ભઠ્ઠીઓનો નાશ સમયાંતરે કરવામાં આવી રહ્યો હોવાના દાવાઓ વચ્ચે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને કચ્છના ભચાઉ તાલુકાના સુરજબારી ગામમાં ત્રાટકેલી રાજ્ય સ્તરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ બિન આરોગ્યપદ દેશી દારૂ બનાવતી ભઠ્ઠી અને બે આરોપીઓને ઝડપી પાડીને રૂા.૩,૦૬,૯૦૦ના દેશી દારૂ તેમજ આથાનો નાશ કર્યો હતો.
કચ્છના પ્રવેશદ્વાર સમા સુરજબારી ગામમાં રહેતા સલીમ ઉર્ફે કલો અને હબીબ જેડા તેમના મકાનની પાછળ દેશી દારૂની ભઠ્ઠી ચલાવી પરપ્રાંતીય શ્રમિકોને દારૂનું વેંચાણ કરતા હોવાની મળેલી પૂર્વ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ સલીમ અને હબીબના મકાન પાછળ છાપો માર્યો હતો. અહીં ચાર ભઠ્ઠી ધમધમી રહી હતી અને વિવિધ સાધનો વડે દેશી દારૂ ગાળવામાં આવી રહ્યો હતો.
આ જગ્યાએથી દેશી દારૂ ગાળ્યાની મજુરી કરતા ઈસ્માઈલ દાઉદ તૈયાર, સુલ્તાન દાઉદ તરૈયાને પોલીસે ઝડપી પાડ્યા હતા જયારે મુખ્ય આરોપીઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. એસએમસીએ ચાર ભઠ્ઠીમાં તથા જુદા-જુદા વાહનોમાં બેરલમાંથી ૬૭૨ લીટર તૈયાર દેશી દારૂ તથા ૬૯૦૦ લીટર આથો એમ કુલ રૂા. ૩ ૦૬ ૯૦૦ના મુદામાલને જપ્ત કરી તેનો સ્થાનિકે ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો.
પકડાયેલા બંને શખ્સોની પુછપરછ કરાતા તે બંને સલીમ ઉર્ફે કલો હબીબ જેડા, ગુલામ અમુદિન ઉર્ફે અમુલો ત્રાયા, સાજીદ સલીમ જેડા પાસે મજુરી કરતા હોવાનું તથા દેશી દારૂની ભઠ્ઠીના ભાગીદાર હોવાનું બહાર આવ્યું હતું પકડાયેલા બંને શખ્સોએ સામખિયાળી પોલીસના હવાલે કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો…અમદાવાદ-રાજકોટ હાઈવે પર વિદેશી દારૂનો ટેલર ઝડપાયો, 4500થી વધુ બોટલો સહિત ₹90 લાખનો મુદ્દામાલ જપ્ત…