ભુજ

ભુજમાં લેડી ડ્રગ્સ પેડલરનો પર્દાફાશ, શિક્ષિત યુવતી નીકળી મેફેડ્રોનની સોદાગર

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: શિક્ષિત સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો કિસ્સો સામે આવ્યો હતો. ભુજમાં ડ્રગ્સના કારોબારમાં સામેલ શિક્ષિત યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાન,ઈરાન અને અફઘાનિસ્તાન તેમજ ભારતના અન્ય રાજ્યોમાં ફેલાયેલા ડ્રગ્સ માફિયાઓ માટે કચ્છ જાણે મુખ્ય ટ્રાન્સિસ્ટ પોઇન્ટ જેવું બની રહ્યું હોય તેમ આ સરહદી જિલ્લામાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના કેફી દ્રવ્યો સતત પકડાઈ રહ્યાં હોવાના સંખ્યાબંધ બનાવો વચ્ચે ભૂકંપ બાદ માદક દ્રવ્યોની વધેલી બદીમાં આજનું યુવાધન બરબાદ થઇ રહ્યું છે.

યુવા વર્ગમાં અત્યંત લોકપ્રિય એવા મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતી મૂળ નારાણપર (પસાયતી)ની અને હાલ ભુજના ભાવેશ્વરનગરના એપાર્ટમેન્ટમાં રહેતી ૩૧ વર્ષીય વિપુલા ઉર્ફે મીના વિનોદ પટેલ નામની શિક્ષિત મહિલાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રૂપિયા ૩૬૦૦૦ના ૧૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, સ્માર્ટફોન અને રોકડા રૂા. ૯૯,૭૦૦ સહીત કુલે રૂા. ૧,૪૦,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેતાં ચકચાર પ્રસરી ગઈ હતી.

આ કાર્યવાહી અંગે પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.ના પી.આઇ. કે.એમ.ગઢવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભુજના ભાવેશ્વર નગરમાં આવેલા રાજહંસ ટાવરના પાંચમા માળે ફ્લેટ નં. ૫૦૫ માં રહેતી અને મૂળ નારાણપર (પસાયતી)ની વિપુલા ઉર્ફે મીના એમ.ડી. ડ્રગ્સનું વેંચાણ કરતી હોવા અંગે મળેલી પૂર્વ બાતમીના પગલે ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

અંદર લોખંડના કબાટમાંથી સફેદ રંગની માદક પદાર્થ ભરેલી આઠ નાની પડીકી અને એક મોટી પડીકી એમ માદક પદાર્થ મેફોડ્રોનની ૧૨ ગ્રામ કિં. રૂા.૩૬,૦૦૦ના નાર્કોટિક્સ તથા એક મોબાઇલ કિં. રૂા. ૫૦૦૦ અને રોકડા રૂા. ૯૯,૭૦૦ના મુદ્દામાલ સાથે વિપુલા ઉર્ફે મીનાની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મહિલા વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી, આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button