ભુજ

કચ્છી નૂતન વર્ષની ઉજવણી બની ગ્લોબલ : અમેરિકા, ગ્રેટ બ્રિટન,અખાતી દેશો અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અષાઢી બીજ ઉજવાઈ

ભુજ: જ્યુરાસિક કાળથી અસ્તિત્વ ધરાવતા ભાતીગળ જિલ્લા કચ્છમાં ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે કચ્છી નૂતન વર્ષ ‘અષાઢી બીજ’ની પ્રણાલીગત ઉજવણી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ ભુજ સહીત સમગ્ર કચ્છના જુદા-જુદાં મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ભુજના રાજાશાહી જમાનાના પ્રસિદ્ધ આશાપુરા મંદિર ખાતે વહેલી સવારથી જ અષાઢી બીજ નિમિતે દર્શનાર્થીઓની કતાર જોવા મળી હતી અને ગ્રામીણ વિસ્તારના લોકો પણ આ મંદિરે ખાસ ઉમટ્યા હતા.

પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર હેઠળ મોટા દિવસોમાં અને ખાસ કરીને વડીલોને પગે લાગવાનો રિવાજ હવે મોટે ભાગે ‘ન્યુક્લિયર ફેમિલી’ના યુગમાં લુપ્ત થઇ જવા પામ્યો છે ત્યારે આનંદની વાત એ છે કે, કચ્છમાં આ રિવાજ હજુ જળવાયેલો રહ્યો છે. આજે દિવસભર માતા-પિતા, સાસુ-સસરા, મોટા ભાઈ, મોટાં બહેન, કાકા-મામા જેવા વડીલોને પગે લાગવા એકબીજાને ઘરે જતા લોકો જોવા મળ્યા હતા જેને લઇ ભુજના રસ્તાઓ પર આખો દિવસ ટ્રાફિકની સમસ્યા રહેવા પામી હતી.

દરમ્યાન, અષાઢી બીજ જેવા પર્વના દિવસે મીઠાઈની દુકાનો ધમધમતી હોય છે. પણ આ વર્ષે કમમરતોડ ભાવ વધારાને પગલે લોકો માત્ર શુકન સાચવવા પૂરતા જ મીઠાઈ કે ફરસાણ ખરીદી રહ્યા હોવાનું ભુજના જાણીતા હલવાઈ શૈલેષ ખાવડાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સૂકા મેવાના ભાવોમાં છેલ્લા બે મહિનાથી રોજેરોજ ભાવ વધારો નોંધાઈ રહ્યો છે અને મોળા કાજુના ભાવમાં પ્રતિ કિલે ૨૦૦ રૂપિયાનો ભાવ વધારો નોંધાઈ ચુક્યો છે. કાજુનો પાક નિષ્ફ્ળ જતાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને આવી રહેલા તહેવારોની મોસમ દરમ્યાન આ ભાવ વધારો હજુ આગળ ધપશે તેમ તેમણે ઉમેર્યું હતું.

કચ્છી અષાઢી બીજ એટલે કે, કચ્છી નૂતન વર્ષના દિવસે આજે કચ્છભરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. અબડાસા તાલુકાના નલિયા, લખપત તાલુકાના દયાપર,નખત્રાણા માંડવી,મુંદરા,રાપર,ભચાઉ,ગાંધીધામ,અંજાર, આદિપુર સહિતના શહેરોમાં કચ્છી નવા વર્ષના તહેવારને અનુલક્ષીને મંદિરોમાં અને બજારોમાં તહેવારનો માહોલ સર્જાવા પામ્યો હતો.
કહેવત છે કે, અષાઢી બીજ, વાદળને વીજ પણ આ વર્ષે કચ્છમાં હજુ અષાઢી માહોલ જામ્યો નથી. પ્રારંભમાં ઠેર-ઠેર બેથી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયા બાદ વરસાદનું જોર ઓછું થઇ જતાં લોકોમાં આંશિક અજંપાની લાગણી જોવા મળે છે.

કચ્છમાં અષાઢી બીજના મહાપર્વની સાથે જ જાણે તહેવારોની મંગળ સવારીનો પ્રારંભ થઇ જાય છે. ગુરુપૂર્ણિમા, રક્ષા બંધન, જન્માષ્ટમી, ગણેશચતુર્થી જેવા તહેવારો જોતજોતામાં પસાર થઇ ગયા બાદ, આ સરહદી જિલ્લામાં રણપ્રદેશથી માંડીને દરિયાઈ સીમાડાઓમાં નવરાત્રીના ઢોલ ઢબૂકવા માંડશે અને જોતજોતામાં દિવાળીના સપરમા દિવસો પણ આવી પહોંચશે.
દરમ્યાન, કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ઉજવણી મુંબઈ સહીત બૃહદ કચ્છ ઉપરાંત લંડન, નાઇરોબી, દારેસલામ, કંપાલા, ન્યુયોર્ક, ન્યુ જર્શી,શિકાગો જેવા મથકોએ પણ ઉજવાઈ હતી.

અમેરિકા સ્થિત કલ્યાણજી પટેલે જણાવ્યું હતું કે, ન્યુયોર્ક સહીત અમેરિકાના કેટલાક શહેરોમાં કચ્છી સમાજ અને ગુજરાતી સમાજના સંયુક્ત ઉપક્રમે અષાઢી બીજ અને રથયાત્રાના દિવસ નિમિતે સ્નેહમિલનો યોજાયા હતા. અખાતી દેશોમાં પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા થરપારકર, બદીન, સુજાવલ, ઠઠ્ઠાપીર જેવા સ્થળોએ પણ મૂળ કચ્છી સમાજના લોકોએ અરસપરસ શુભેચ્છા પાઠવી હતી અને સમૂહમાં કચ્છી લોકવાદ્યોની રંગત સાથે રાસડા લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button