સંસ્કાર સ્કૂલની વિદ્યાર્થીનીની હત્યા: મુખ્ય આરોપી મોહિત જેલમાં, સહઆરોપી જયેશના એક દિવસના રિમાન્ડ | મુંબઈ સમાચાર
ભુજ

સંસ્કાર સ્કૂલની વિદ્યાર્થીનીની હત્યા: મુખ્ય આરોપી મોહિત જેલમાં, સહઆરોપી જયેશના એક દિવસના રિમાન્ડ

ભુજ: શહેરના એરપોર્ટ રિંગરોડ પર આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં ભણતી મૂળ ગાંધીધામની ૧૯ વર્ષીય છાત્રા સાક્ષી ખાનિયાનું તેના એકતરફી પ્રેમીએ ગળું કાપીને સરાજાહેર કરેલી કરપીણ હત્યાના ચકચારી બનાવમાં મુખ્ય આરોપી મોહિત મૂળજી સિદ્ધપુરાના પાંચ દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ પાલારા જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક આરોપી જયેશ જયંતીજી ઠાકોરના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા આ હત્યા કેસ અંગે એ-ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. એ.એમ. પટેલે જણાવ્યું હતું કે, મોહિતના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તેને પાલારાની જેલના હવાલે કરવા આદેશ મળ્યો હતો.

આપણ વાંચો: મગજ મંથન : સંસ્કારધામમાં હિંસા – હત્યા કેમ વધતી જાય છે?

દરમ્યાન, સાક્ષીને ફોન કરીને કોલેજની બહાર બોલાવનારા અને કથિત રીતે સાક્ષીને બચાવવા જતાં મોહિતના જ હાથે છરીથી ઘાયલ થતાં સારવાર હેઠળ રહેલા સહઆરોપી જયેશ ઠાકોરની પોલીસે ધરપકડ કરી હતી અને તેના પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે ચીફ કોર્ટમાં રજૂ કરાતાં જજ જે.વી. બુટ્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સરકાર તરફે સરકારી વકીલ આર.આર. પ્રજાપતિ હાજર રહી રિમાન્ડના મુદ્દા રજૂ કરી દલીલો કરી હતી. ભારે ચર્ચાસ્પદ આ કેસની ઊંડાણપૂર્વકની તપાસ કરી વિગતો મેળવાઇ હોવાનું તપાસકર્તા પટેલે ઉમેર્યું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button