ભુજ

નલિયામાં ૧૦ ડિગ્રી તાપમાન સાથે કચ્છમાં સિઝનનો મિજાજ બદલાયો, જનજીવન સ્વેટર-શાલે લપેટાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ કમોસમી માવઠાની વકી વચ્ચે સરહદી જિલ્લા કચ્છમાં ગાયબ થઇ ગયેલો શિયાળો આખરે ધાક જમાવી રહ્યો છે અને ગુજરાતનું સિમલા ગણાતું, અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાએ આજે ૧૦ ડિગ્રી સે.ન્યુનતમ તાપમાન સાથે રાજ્યના ઠંડા મથકોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. એટલું જ નહિ, તે ચીનના બેઇજિંગ સમાન ઠંડુ રહેવા પામ્યું છે. નલિયા ખાતે મહત્તમ તાપમાન પણ ૨૭ ડિગ્રી રહેવા પામ્યું હતું જેને કારણે લોકોને દિવસે પણ ઠંડીનો અનુભવ કરવો પડી રહ્યો છે.

બીજી તરફ, જિલ્લા મથક ભુજમાં આજે ન્યુનતમ તાપમાન ૧૩ ડિગ્રી સે.જયારે મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી નોંધાતા લોકોને વાયબ્રન્ટ શિયાળાની અનુભૂતિ થઇ રહી છે. ભુજ ઉપરાંત સીમાવર્તી રાપર, આદિપુર, અંજાર તેમજ બંદરીય શહેરો કંડલા, માંડવી અને મુંદરામાં પણ ટાઢોળાએ પોતાની હાજરી પૂરાવતાં લોકો ઠંડીની ઝપટમાં આવી ગયા છે.

સામાન્ય રીતે કચ્છમાં નવેમ્બર મહિનાના બીજા સપ્તાહથી શિયાળો બેસી જાય છે પરંતુ આ વર્ષે ખરેખરો શિયાળો શરૂ થવાનો સમય તાજેતરમાં થયેલા વોલ્કેનિક ઈરપશન તેમજ અરબી સમુદ્રમાં વારંવાર સર્જાઈ રહેલાં હવાના દબાણને કારણે થોડો મોડો શરૂ થયો છે. જમ્મુ-કાશ્મીર સહીત દેશના પહાડી રાજ્યોમાં તાજેતરમાં શરૂ થયેલી બરફવર્ષાને લીધે આ મારકણી ઠંડીનું મોજું આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે તેમ હવામાન વિભાગ પાસેથી જાણવા મળી રહ્યું છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 2 થી 4 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે બરફવર્ષા થશે અને પવનના તોફાનો આવશે. ઉત્તર ભારતમાં શીત લહેરના કારણે ગુજરાતમાં ઠંડી આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ નબળો પશ્ચિમી વિક્ષેપ આવશે, જે ઠંડી લાવશે. 11 જાન્યુઆરીથી ઠંડા પવનો હાડ ધ્રુજાવશે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાશે. નલિયામાં ઠંડી 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. 18 થી 21 જાન્યુઆરી પશ્ચિમિ વિક્ષેપ આવશે, જેનાથી ફરીથી ગુજરાતનું હવામાન પલટાશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે. 24 જાન્યુઆરી ઠંડીનો ચમકારો વધશે.

આ પણ વાંચો…ગુજરાતીઓ ગુલાબી ઠંડી માટે તરસ્યા, રાજ્યમાં સતત બીજા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં શીતલહેર ગાયબ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button