કચ્છમાં માવઠાની આશંકા વચ્ચે પારો ગગડ્યો: કાતિલ ઠંડી અને ગરમી વચ્ચે મિશ્ર ઋતુનો અનુભવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ અરબી સમુદ્રમાં સર્જાયેલાં સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ ગુજરાતમાં મોસમ વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસ દરમ્યાન કમોસમી માવઠું થવાની આગાહી આપવામાં આવી છે તેવામાં રણપ્રદેશ કચ્છમાં ઠંડીના પ્રમાણમાં ઉતાર-ચઢાવ યથાવત રહ્યો હતો. દિવસ અને રાત્રીના ઉષ્ણતામાનમાં લાંબા સમયથી રહેલા બારથી પંદર ડિગ્રીના તફાવતના કારણે બેવડી ઋતુ બરકરાર રહી છે.
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં આજે ૧૨ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન, જયારે ૨૯ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાતાં જનજીવને ટાઢોળામાંથી થોડી રાહત અનુભવી છે. નલિયા સિવાયના અન્ય મથકોમાં પણ ઠંડીમાં ચઢાવ-ઉતાર યથાવત રહેવા પામ્યો છે. જેમાં જિલ્લાના મુખ્ય મથક ભુજમાં પવિત્ર શ્રાવણ માસની યાદ અપાવે તેવા વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ ૧૫ ડિગ્રી, અને મહત્તમ તાપમાનનો આંક ૩૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો નોંધાયો છે.
કંડલામાં લઘુતમ તાપમાનનો આંક ૧૮ ડિગ્રી સે.પર પહોંચી જતાં કંડલા-ગાંધીધામ સંકુલમાં ભેજયુક્ત ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે અને સાંજ ઢળ્યા પછી હવામાં ભેજનું પ્રમાણ ઘટી જતાં ગ્રામીણ કચ્છમાં શહેરો કરતાં થોડી વધારે ઠંડી રહેતાં ગ્રામજનો ઠેર-ઠેર તાપણાં સભાઓ યોજીને ઠંડીથી બચવાના પ્રયાસો કરતા નજરે પડી રહ્યા છે. હવામાન વિભાગે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરી છે.
આ પણ વાંચો…ગુજરાત સહિત આ રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી, પહાડોમાં હિમવર્ષા



