ભુજ

કચ્છમાં મિશ્ર ઋતુ: તાપમાનમાં ૧૮ ડિગ્રીનો તફાવત, આંબાના મોર સાથે ઉનાળાનો પગરવ

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ મહાશિવરાત્રી પર્વને હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એ વચ્ચે સમગ્ર ઉત્તર ભારતની સાથે સરહદી જિલ્લા કચ્છમાં પડેલી વિક્રમજનક ઠંડી લગભગ ગાયબ થઇ જવા પામી છે અને હાલ મિશ્ર વાતાવરણની આણ બરકરાર રહેવા પામી છે.

વનવગડામાં આંબે આવેલા મોર મહેંકી ઉઠ્યા

શિયાળામાં આઈસ કુલ રહેતાં નલિયામાં આજે વહેલી સવારે ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડીના ચમકારા બાદ દિવસ ચઢતાની સાથે જ મહત્તમ તાપમાનનો આંક ૩૧ ડિગ્રી સેલ્સિયસ જેટલો ઊંચે જતા ગ્રીષ્મ ઋતુના આગમનના એંધાણ જાણે અત્યારથી જ વર્તાઈ રહ્યાં હોય તેમ વનવગડામાં આંબે આવેલા મોર મહેંકી ઉઠ્યા છે. ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું હોવાથી ખડૂતોએ પાક ઉતારવો શરૂ કરી દીધો છે.

ઠંડી ધીરે ધીરે ઓછી થઇ રહી છે

રાત્રિથી વહેલી સવાર દરમ્યાન પડી રહેલી ગુલાબી ઠંડી પણ ધીરે ધીરે ઓછી થઇ રહી હોઈ, લોકો બપોરના સમયે ધીમી ગતિએ પંખા ચાલુ કરવા મજબુર બન્યા છે, માર્ગો રાત્રી દરમ્યાન થતી ઝાકળવર્ષાથી ભીના થઇ જાય છે, જયારે દસ વાગ્યા બાદ તડકા સાથે મહત્તમ તાપમાનનો આંક ૩૦થી ૩૪ ડિગ્રી સે.પર પહોંચી જતાં મહા મહિનામાં ચૈત્ર માસ જેવી બપોરના ભાગે પડતી તીખી ગરમીએ જનજીવનને અકળાવવાનું શરૂ કર્યું છે.

દિવસ-રાતના તાપમાનમાં ૧૮ ડિગ્રી જેટલો તફાવત

ભુજમાં લઘુતમ ૧૫ અને મહત્તમ ૩૨ ડિગ્રી સે.ના ઉષ્ણતામાન સાથે ૧૭ ડિગ્રીના તફાવત સાથે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે પણ દિવસ-રાતના તાપમાનમાં ૧૮ ડિગ્રી જેટલો તફાવત રહેવાની સાથે ૧૨ ડિગ્રીએ રાજ્યનું ઠંડું મથક બન્યું હતું. કંડલા બંદરમાં ૩૦ ડિગ્રી મહત્તમ તાપમાન રહેતાં આસપાસના ગાંધીધામ,અંજાર આદિપુરમાં આંશિક ગરમીની આણ યથાવત રહી હતી. સૂર્યાસ્ત બાદ કચ્છના મોટા ભાગના મથકોમાં લઘુતમ તાપમાનનો આંક ૧૫થી ૨૧ ડિગ્રીની આસપાસ રહેતાં દિવસે ગરમી રાત્રે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. દરમ્યાન,સમગ્ર રાજ્યમાં આગામી સપ્તાહ સુધી મિશ્ર વાતાવરણ રહેશે તેવો વર્તારો હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button