ભુજ

કચ્છનું વાતાવરણ પલટાયું: ભુજ, ગાંધીધામ સંકુલ,મુંદરા અને ભચાઉ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ અરબી સમુદ્રમાં સર્જાયેલાં હવાના હળવા દબાણની અસર હેઠળ રાજ્યના અમદાવાદ, દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, પોરબંદર, દેવભૂમિ દ્વારિકા સહિતના વિસ્તારોમાં મોસમ વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસ દરમ્યાન કમોસમી માવઠાની આગાહી આપવામાં આવી છે તેવામાં બુધવારની બપોરના બે વાગ્યે કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભરશિયાળે ધીમીધારે કમોસમી વરસાદ વરસવો શરૂ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા.

જિલ્લા મથક ભુજમાં બપોરના બે વાગ્યાની આસપાસ હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું જયારે બંદરીય મુંદરા તાલુકાના સમાઘોઘા, ગુંદાલા અને તેની આસપાસના વિસ્તારો,ગાંધીધામ સંકુલ તેમજ ભચાઉ પંથકમાં ભર શિયાળે છવાયેલા અષાઢી માહોલ વચ્ચે રસ્તામાંથી પાણી વહે એટલું જોરદાર ઝાપટું વરસી ગયું હતું.

આ ઉપરાંત રાપર તાલુકાના ભીમાસર, આડેસર, ખાંડેક, માંજુવાસ, ગાગોદર સહિતના ગામોમાં માવઠું થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.

માવઠાના પગલે ભેજનું આવરણ વધી જતાં જનજીવનને ત્રેવડી ઋતુનો માર પડી રહ્યો છે. ખેતીવાડી વિભાગે ધરતીપુત્રોને કમોસમી વરસાદની એલર્ટ આપવાની સાથે ખરીફનો કપાસ ખેતરોમાં ઉભો છે તેની ગુણવત્તાને અસર થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

કચ્છના કાશ્મીર ગણાતાં અબડાસાના નલિયામાં આજે લઘુતમ તાપમાનનો આંક ૧૫ ડિગ્રી પર રહેતાં ઠંડીમાં રાહત રહેવા પામી હતી, જયારે ૧૨થી ૧૩ પ્રતિકલાકે વાતા પવનો અને ધાબળીયા માહોલ વચ્ચે ભુજમાં ન્યુનતમ તાપમાન ૧૭ ડિગ્રી પર રહ્યું હતું અને મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી ડિગ્રી જેટલું ઊંચું રહેતાં ત્રેવડી ઋતુનો અહેસાસ શહેરીજનોએ કર્યો હતો.

દરમ્યાન,જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલા હિમપાતને પગલે મોસમ વિભાગ દ્વારા આગામી સપ્તાહ દરમ્યાન સમગ્ર ઉત્તર ભારતની સાથે ગુજરાતમાં ફરી પાછું ઠંડીનું જોર અનુભવવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરમ્યાન, આવી વિચિત્ર ઋતુના પગલે કચ્છમાં શરદીજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button