ભુજ

કચ્છઃ માંડવીના તલવાણા ગામમાંથી વિક્રમી ૧.૫૪ કરોડનો શરાબનો જથ્થો પકડાયો

ભુજ: તાજેતરમાં ભુજ તાલુકાના કેરા ગામમાં રાજ્યસ્તરની ટૂકડીએ અને બાદમાં સ્થાનિક પોલીસે બે જેટલી કાર્યવાહી હાથ ધરીને દોઢ કરોડથી વધુના મૂલ્યનો શરાબનો જંગી જથ્થો પકડી પાડ્યો હોવાની ઘટનાની હજુ શાહી સુકાઈ નથી તેવામાં પશ્ચિમ કચ્છની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ બંદરીય માંડવી તાલુકાના તલવાણા ગામે દરોડો પાડી ગેસના ટેન્કરમાં છુપાવીને લાવવામાં આવેલો ૧.૫૪ કરોડનો વિક્રમી કહી શકાય એટલો દારૂ પકડી, ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પશ્ચિમ કચ્છ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર.જેઠીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમ્યાન મળેલી પૂર્વ બાતમીના આધારે મુંદરા-માંડવી માર્ગ પરના તલવાણા ગામના પાદરે આવેલી ઓમ બન્ના નામની હોટલ પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ત્રગડી ગામના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા અને અબડાસાના ખાનાયના જીતુભા ઉર્ફે જીતિયો મંગળસિંહ સોઢાએ ગુજરાત બહારથી ગેસના ટેન્કર નંબર (જીજે ૦૬ એયુ ૬૬૬૯) માં બનાવેલાં ચોર ખાનામાં સાંતેડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ટેન્કરને મુંદરાથી માંડવી સુધી લાવવા માટે યુવરાજસિંહ જાડેજા પોતાની સફેદ કલરની ફોર્ચ્યુનર કાર વડે પાયલોટિંગ કર્યું હતું.

રાજસ્થાનના ડ્રાઇવર કૃષ્ણકુમાર માલારામ જાટ ચૌધરી તેમજ તેની સાથે રાજસ્થાનના લોકેન્દ્રસિંહ પુરનસિંહ રાજપૂત તેમજ માંડવી તાલુકાના ગુંદિયાળી ગામના રામદેવસિંહ ઉર્ફે ઋતુરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાની અટક કરી લેવામાં આવી હતી. આ ટેન્કરમાં પાનાની મદદથી ઢાંકણુ ખોલી તપાસ કરતા રૂપિયા ૧,૫૩,૮૬,૫૦૦ના મૂલ્યની કુલ ૨૬,૧૭૯ જેટલી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલો કબજે કરાઈ હતી.

આ ઉપરાંત ૧૦ લાખના ટેન્કર અને ત્રણ સ્માર્ટફોન મળી કુલ ૧,૬૪,૨૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી, કોડાય પોલીસ મથકમાં દારૂ મંગાવનાર મુખ્ય બુટલેગર ત્રગડીનો યુવરાજસિંહ વજુભા જાડેજા, અબડાસાના ખાનાયનો જીતુભા ઉર્ફે જીતિયો મંગળસિંહ સોઢા, ટેન્કરનો ડ્રાઇવર કૃષ્ણકુમાર માલારામ જાટ ચૌધરી, લોકેન્દ્રસિંહ પુરનસિંહ રાજપુત અને પ્રાગપરથી ટેન્કરમાં બેસનાર ગુંદિયાળીના રામદેવસિંહ ઉર્ફે ઋતુરાજસિંહ જાડેજા તેમજ માલ મોકલનાર અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે કોડાય પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો…કચ્છમાં SMCએ દરોડા પાડી કરોડની શરાબ પકડી, જે લોકલ પોલીસને ન મળી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button