બે દાયકા બાદ ચુકાદો: ₹ ૮૩ હજારની ઉચાપત પૂર્વ પોસ્ટ માસ્ટરને ભારે પડી, કોર્ટે ફટકારી 3 વર્ષ કેદની સજા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ આજથી ૨૧ વર્ષ પહેલાં કચ્છના સીમાવર્તી રાપર પંથકના પ્રાગપર ખાતેની પોસ્ટ ઓફિસમાં ૮૩ હજાર ૩૩૨ રૂપિયાની ઉચાપત કરનારા તત્કાલીન બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હરિ રવાભાઈ પરમારને નામદાર અદાલતે તકસીરવાન ઠેરવીને તેને ત્રણ વર્ષના સખ્ત કારાવાસની સજા ફટકારતાં પોસ્ટ તંત્રમાં ચકચાર પ્રસરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એવા હરિ પરમારે પોસ્ટ ઑફિસમાં સ્થિત એસ.ટી.ડી પી.સી.ઓ બુથના બિલના નાણાંની ઉચાપત કરી હોવાની આશંકા બાદ પોસ્ટ ખાતાંએ હાથ ધરેલી ખાતાકીય તપાસમાં હરિ પરમારે નાણાંકીય ગેરરીતિ આચરી હોવાનું પુરવાર થતાં પોસ્ટ વિભાગે ગત ૦૨-૧૧-૨૦૦૪ના રોજ રાપર પોલીસ મથકે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૯ હેઠળ આરોપી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવતાં ધરપકડ બાદ પોસ્ટ માસ્ટર જામીન પર મુક્ત થઇ ગયો હતો.
ત્યારબાદ ગત તા. ૩જી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ રાપરની ટ્રાયલ કૉર્ટે આરોપીને દોષી ઠેરવી ૩ વર્ષની સાદી કેદની સજા અને બે હજારનો દંડ ફટકારવાના આપેલા ચુકાદા સામે જામીન અને સ્ટે મેળવી ભચાઉ સેશન્સ કૉર્ટમાં આરોપી દ્વારા અપીલ દાખલ કરી હતી જેમાં ટ્રાયલ કોર્ટે ફક્ત ખાતાકીય તપાસને મહત્વનો પુરાવો ગણીને સજા ફટકારી હોવા સહિત વિવિધ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી.
તમામ પાસાનો અભ્યાસ કરીને ભચાઉના પાંચમા અધિક સેશન્સ જજ ભરત લાલચંદ ચોઈથાણીએ નામદાર ટ્રાયલ-કૉર્ટનો હુકમ ન્યાયી હોવાનું ઠેરવીને, પરમારના જામીન રદ્દ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હોવાનું આ કેસમાં સરકાર તરફે અધિક મદદનીશ સરકારી વકીલ તરીકેના ડી.એસ.જાડેજાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…ભુજ તાલુકા વિકાસ અધિકારી સામે ‘કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ’ની કાર્યવાહી, જાણો શું છે મામલો…


