વાહ કચ્છીમાંડુઓઃ આ વર્ષે દિવાળીમાં આ એક કામ સારું કરી તમે રાહ ચિંધી

ભુજઃ પ્રદૂષિત હવા અને તેને લીધે આવતી બીમારીઓથી જનતા ત્રસ્ત થાય છે અને તે સમયે સરકારને દોષ આપે છે. એક શિયાળો અને બીજી બાજુ દિવાળી જેવા તહેવારોમાં ફોડવામા આવતા ફટાકડાને લીધે હવા જોખમી બની જાય છે.
દિલ્હી જેવા શહેરોમાં તો સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો પહોંચ્યો છે જ્યારે મુંબઈમાં પણ પોલીસે પરિવપત્ર બહાર પાડી લોકોને ફટાકડા ફોડવામાં સંયમ જાળવવા કહ્યું છે ત્યારે કચ્છી જનતાએ સૌ કોઈને રાહ ચિંધી છે. અહીં કોઈપણ જાતની તંત્રની સૂચના કે આદેશ ન હોવા છતાં લોકોએ ઓછા ફટકાડા ફોડ્યા છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં અગાઉની દિવાળી કરતા લગભગ 50 ટકા ઓછાી ફટાકડા ફોડ્યા છે.
જેથી વાતાવરણને તો ઓછું નુકસાન છે જ, પણ સાથે ઘોંઘાટ ઓછો થતાં પશુ-પ્રાણીઓએ પણ રાહત અનુભવી છે.
આપણ વાંચો: દિવાળીના ફટાકડાને કારણે વાતાવરણમાં ઝેરી ધાતુના રજકણ ફેલાયા: એનજીઓએ સરકારને દોષી ઠેરવી…
કેવી રહી કચ્છની દિવાળી
સરહદી જિલ્લા કચ્છમાં દીપોત્સવી પર્વના સપરમા દિવસોની ઉત્સાહપૂર્વક ઉજવણી ભાઈબીજના તહેવાર સાથે સંપન્ન થઇ હતી. ઉલ્લેખનીય છે કે, ભુજની દિવાળી તેની વહેલી પરોઢના દેવ મંદિરો પરના ધમધમાટ,રોશનીની ઝાકઝમાળ અને ઘંટારવ-નોબતના તાલ વચ્ચે થતી મંગળા આરતી માટે વિખ્યાત છે ત્યારે ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળીના પણ આવો અદભુત માહોલ સર્જાયો હતો અને ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર,કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, સોમનાથ મહાદેવ,ધીંગેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, આશાપુરા મંદિર અને હમીરસરના કાંઠે આવેલા સત્યનારાયણ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
કચ્છીઓએ પર્યાવરણનું જતન કર્યું
જો કે આ વર્ષે ફટાકડા જાણે ફૂટતા જ ન હોય તેવો માહોલ હતો.પરંપરાગત રીતે ભુજમાં દિવાળીના તહેવારો દરમ્યાન ફોડાતા ફટાકડાની સરખામણીમાં આ વર્ષે માંડ ત્રીસથી ચાલીસ ટકા ફટાકડા ફોડાયાં છે. જેનું કારણ વધતું શિક્ષણ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની જાગૃતતા કેળવાઈ હોવાનું છે. આ સાથે ફટકડાના આસમાને ગયેલા ભાવ પણ થોડાઘણા અંશે જવાબદાર છે.
આપણ વાંચો: કચ્છમાં આગજનીના સેંકડો બનાવઃ ગૌશાળામાં ફટાકડાથી આગ, 900 મણ ઘાસચારો ખાખ
ગુજરાતના શહેરો ખાસ કરીને અમદાવાદમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ ડેન્જર ઝોન તરફ જઈ રહ્યો છે તેને ધ્યાને લઈને લોકોએ સ્વયંભૂ શિસ્ત દાખવી ફટાકડા માત્ર શુકન સાચવવા પૂરતા જ ફોડ્યા હોવાનું સ્પષ્ટ અનુભવાઈ રહ્યું હતું.
જોકે બીજી બાજુ ઓનલાઈન શૉપિંગના વધતા ક્રેઝને લીધે બજારોમાં જોઈએ તેટલી ખરીદી ન દેખાઈ હતી. તો સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલની પણ ખાસ અસર દેખાઈ ન હતી.
. જે ચીજ-વસ્તુઓ ઓનલાઇન શોપિંગ અથવા જુદા-જુદા મોલ્સમાં મળતી ન હોય તેવી માત્ર પરચુરણ ચીજ-વસ્તુઓનું વેંચાણ દિવાળી જેવા મહાપર્વના દિવસોમાં થતાં વેપારીઓને દિવાળી ફળી ન હતી. લોકોએ બપોરથી સાંજ સુધી બજારોમાં ફરીને આસોપાલવના તોરણ, એરાયા-મેરાયા,કમળના ફૂલની ખરીદી કરી હતી.
ફૂલોના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ઓછાં ઉત્પાદન વચ્ચે ફૂલ-ગજરાના ભાવો સતત વધી રહ્યા છે તેથી હવે માત્ર ધાર્મિક વિધિ કે પૂજા માટે જ ફૂલો ખરીદવાનું લોકો પસંદ કરે છે. આથી ફૂલબજારમાં દિવાળી દરમિયાન થોડો ધમધમાટ જોવા મળ્યો હતો.
મીઠાઈના વેપારીઓના જણાવ્યા અનુસાર ઊંચા ભાવને લીધે લોકોએ પ્રમાણમાં ઓછી ખરીદી કરી હતી. દિવાળી, ધોકો, નવું વર્ષ અને ભાઈબીજ આ તમામ તહેવારો સરવાળે શાંતિથી પૂરા થઈ જતા લોકો હવે લાભ પાંચમ બાદ ફરી રાબેતા મુજબનું જીવન જીવવા લાગશે.