ભુજ

કચ્છમાં કરૂણાંતિકાઃ દીકરીએ જીવન ટૂંકાવ્યું તો માતાએ પણ જીવ દઈ દીધો

ભુજઃ આત્મહત્યા કોઈપણ દુઃખનું ઓસડ નથી, પરંતુ કમનસીબે દરરોજ આત્મહત્યાના કેસ નોંધાતા રહે છે. શનિવારે જ શિક્ષિત એવી ફિઝિયોથેરાપીસ્ટ યુવતીએ સુરતમાં ઈમારતના નવમાં માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું ત્યારે કચ્છમાં 41 વર્ષીય મહિલાએ આત્મહત્યા કર્યાનો બનાવ બન્યો છે.

દુઃખની વાત તો એ છે કે મહિલાની દીકરીએ પણ થોડા દિવસો પહેલા કોઈક કારણોસર આ ખોટું પગલુંભર્યું હતું. દીકરી ખુશાલીની આત્મહત્યાથી દુઃખી થયેલી માતા હંસાબેને પણ જીવન ટૂંકાવી દીધું હોવાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે.

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીધામ શહેરના મહેશ્વરી નગરમાં રહેનાર હંસાબેન મતિયાની પુત્રી ખુશાલીએ તાજેતરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ અત્યંત દુઃખી થઇ ગયેલાં હંસાબેને પોતાના ઘરે બાથરૂમના સાવરમાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત આણી દીધો હતો. કરુણ બનાવની ગાંધીધામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આપણ વાચો: મરાઠીમાં ન બોલવાને મુદ્દે થયેલા ઝઘડામાં ટ્રેનમાં મારપીટ કરાયા બાદ કોલેજિયને કરી આત્મહત્યા

અન્ય બે આત્મહત્યાની ઘટના

જોકે આ માત્ર એક આત્મહત્યાની ઘટના નથી. કચ્છમાં અન્ય બે આત્મહત્યાની ઘટના નોંધાઈ હતી. જેમાં નાની ચીરઈમાં યાહાળપુર કુલિંગ કંપનીની કોલોનીમાં આત્મહત્યાનો કિસ્સો બનવા પામ્યો હતો જેમાં સંજયકુમાર નામના યુવકે અજ્ઞાત કારણોસર સીલિંગ ફેન પર બાંધેલા મફલરનાં કપડાં વડે ગળેટુંપો ખાઈ, મોતનો માર્ગ અપનાવી લીધો હતો.

આ પ્રકારનો વધુ એક બનાવ અંજાર નગરપાલિકાની સામે આવેલા રહેણાંક વિસ્તારમાં બનવા પામ્યો હતો જેમાં અહીં રહેનાર લક્ષ્મીબેન રાજુ મઈંડા નામની યુવા પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતાં અંજાર પોલીસે અકસ્માત નોંધના આધારે બનાવ પાછળનું કારણ જાણવા તપાસ આરંભી છે.

અકસ્માત મૃત્યુનો વધુ એક બનાવ કરમરિયા ગામ નજીકના વાડી વિસ્તારમાં બન્યો હતો જેમાં નવી ભચાઉ ખાતે રહેનાર નરેશ કોળી રૂમની સફાઈ કરી રહ્યો હતો ત્યારે અચાનક જીવતો વીજ વાયર તૂટીને હતભાગી પર પડતાં તેમને જોરદાર વીજ આંચકો લાગતાં તેનું સારવાર મળે તે અગાઉ મોત થયું હતું.

આપણ વાચો: ગુજરાતમાં માવઠું બન્યું ‘મોત’નું કારણ: ૩ અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં ૬ ખેડૂતોએ આત્મહત્યા કરી

જીવતો વાયર પડતા જીવ ગયો

દરમ્યાન, ભુજ-ખાવડા માર્ગ પર રૂદ્રમાતા જાગીરની ગોલાઈ પર ગત મોડી રાત્રે બે ટ્રેઈલર સામ સામે ભટકાતા ખાવડા બાજુથી નમક ભરી આવી રહેલા ટ્રેઈલરની કેબિનમાં દબાઈ ગયેલા ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાલ માધાપર પોલીસે મૃતક ટ્રેઇલર ચાલકની ઓળખ જાણવા માટે કવાયત હાથ ધરી છે.

નોંધઃ આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો.

ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button