કચ્છ પ્રવાસનમાં નવું આકર્ષણ: ક્રીક વિસ્તારમાં સમુદ્રી સીમા દર્શન સાથે એડવેન્ચર બોટ રાઇડનો પ્રારંભ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ કચ્છને જોવા-માણવા દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં આવતા પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન વચ્ચેની અત્યંત સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય જળસીમા અંગે જાણકારી મેળવે તેમજ સરહદ પર તૈનાત સીમા સુરક્ષા દળના જવાનોની કામગીરીથી પરિચિત થાય તેવા ઉમદા હેતુથી ભારતમાં પ્રથમ વખત શરૂ કરાયેલા “સમુદ્રી સીમાદર્શન” પ્રોજેક્ટનો અચોક્કસ મુદત સુધી બંધ રહ્યા બાદ ફરી પ્રારંભ થયો હતો.
માત્ર એક બોટ ઉપલબ્ધ હોઈ, ગત રવિવારે પાંચ ટ્રીપમાં ૨૬ જેટલા પ્રવાસીઓએ આ સેવાનો લાભ લીધો હોવાનું જાણવા મળ્યું હતું. સમુદ્ર રફ બનવાનું કારણ આગળ ધરીને સમુદ્રી સીમા દર્શન બંધ ન થવું જોઈએ અને બોટોમાં પણ વધારો કરવો જોઈએ તેવું પ્રવાસીઓએ જણાવ્યું હતું.
હાલ લક્કીનાળામાં પ્રવાસીઓ માટે વેઇટીંગ રૂમ,બુકિંગ કાઉન્ટર સહિતની સુવિધા છે. પડાલા ટાપુ પર વનવિભાગ દ્વારા મેગ્રુવના જંગલ બનાવવામાં આવ્યા છે તેમજ ૬ તંબુ સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ છે.
પ્રવાસન વિભાગ સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા મુજબ, નારાયણ સરોવરમાં પ્રવાસન વિભાગની હોટલ તોરણમાં સમુદ્રી સીમા દર્શન કરાવતી આ બોટનું બુકિંગ થાય છે, તે ઉપરાંત નારાયણ સરોવર ત્રણ રસ્તે લક્કી તરફ જતા માર્ગે રસ્તા પર બોર્ડ લગાવાયું છે, જેથી વાહન ચાલકો સહેલાઈથી લક્કીનાળા સુધી પહોંચી શકે.
આગામી સમયમાં અહીં ફ્લોટિંગ જેટી, વૉચ ટાવર, મરીન ઇન્ટરપ્રીટેશન સેન્ટર, મેન્ગ્રોવ વૉક, ફૂડ કિઓસ્ક, ઇન્ફોર્મેશન સેન્ટર, કન્વેશન સેન્ટર,પબ્લિક યુટિલિટી, બીએસએફ ઈન્ટરએક્શન ફેસિલીટી, ભુંગા રીસોર્ટ, એડવેન્ચર પાર્ક, નેચર ટ્રેઈલ્સ, મેન્ગ્રુંવ વોક, ફૂડ કિઓસ્ક વગેરે જેવા આકર્ષણો ઉમેરવામાં આવશે.
પ્રોજેક્ટમાં ગુજરાતના પ્રવાસન વિભાગ સાથે બીએસએફ, ફોરેસ્ટ વિભાગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ સહયોગી છે. થોડા સમય બાદ બોર્ડર રાઈડ સાથેસાથે પ્રવાસીઓને પ્રતિબંધિત દરિયાઈ ટાપુઓ પર લઈ જવામાં આવશે અને ત્યાં “મેન્ગરૂવ સફારી” દ્વારા પ્રવાસીઓને યાદગાર અનુભવ કરાવવામાં આવશે.
દરમ્યાન, સમુદ્રમાં સરહદી બોર્ડર નિહાળવાનો રોમાંચ પ્રવાસીઓ માણી શકે એ માટે રણોત્સવની કંપની દ્વારા પેકેજની સવલતો પણ આપવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.



