કચ્છના માંડવીમાં એસએમસીના દરોડા બાદ બે પોલીસ કર્મી પર કાર્યવાહી, સસ્પેન્ડ કરાયા

ભુજ : કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ત્રગડીમાં રીઢા આરોપી દ્વારા ચલાવાતા અંગ્રેજી દારૂના અડ્ડા પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં 83.78 લાખનો દારૂ અને છ કાર મળી આવી હતી. જેમાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને ઉજાગર કર્યા બાદ રેન્જ આઈ.જી ચિરાગ કોરડીયાએ બેદરકાર પોલીસ કર્મીઓ સામે કડક પગલાં લેવા આપેલી સૂચના આપી હતી.
નિષ્કાળજી દાખવવા બદલ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કર્યા
જેના પગલે આજે પોલીસ વડાએ માંડવી મરીનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન.વસાવા અને જ્યાં દરોડો પડ્યો તે બીટના જમાદાર હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ જાડેજાને નિષ્કાળજી દાખવવા બદલ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કર્યા છે. જયારે સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઇ. એસ.એન.ચુડાસમાને લીવ-રિઝર્વમાં મૂકી તેમની બદલી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. તેમજ બીજો હુકમ ન થાય ત્યાં સુધી એલસીબીનો વધારાનો હવાલો પીએસઆઇ એચ.આર. જેઠીને સોંપવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.
આપણ વાંચો: અમદાવાદઃ તિરંગા યાત્રામાં ભાજપ ધારાસભ્ય જામીન પર છુટેલા અસામાજિક તત્વ સાથે જોવા મળ્યા