અશક્યને કર્યું શક્ય: કચ્છના માલધારી જીવુબેન 70 વર્ષની ઉંમરે માતા બન્યાં! 45 વર્ષના સંઘર્ષ બાદ પૂરું થયું સપનું

ભુજ: “સંતાન હોવાનું સુખ અને ન હોવાનું દુ:ખ ત્રાજવે ન તોળી શકાય” આ વાત એ સંતાન ન હોવાનું દુ:ખ ભોગવતા માવતરોની સ્થિતિને વર્ણવી આપે છે.
સંતાન સુખ માટે માતાપિતા ઘણા પ્રયત્નો કરતાં હોય છે અને આવો એક કિસ્સો કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મોરા ગામનો ખૂબ ચર્ચામાં છે. કચ્છના એક માલધારી દંપતીની કહાણી સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ ચર્ચામાં છે, જેણે લાખો નિઃસંતાન યુગલો માટે આશાનું નવું કિરણ જન્માવ્યું છે.
રાપર તાલુકાના મોરા ગામના જીવુબેન રબારીએ 70 વર્ષની જૈફ વયે માતા બનવાનું પોતાનું સપનું સાકાર કર્યું છે. લગ્નના 45 વર્ષ સુધી સંતાન સુખ ન મળતાં આ દંપતીએ મંદિરો, દવાઓ અને અનેક ઉપચારોનો સહારો લીધો હતો, પરંતુ કુદરતી રીતે ગોદ ન ભરાતા આખરે તેમણે આશા છોડી દીધી હતી.
આપણ વાચો: આજે પાંચમું નોરતું: સંતાન સુખ અને આરોગ્ય માટે કરો મા સ્કંદમાતાની આરાધના, જાણો પૂજા વિધિ
જોકે, સંબંધીઓની નિરાશાવાદી વાતો છતાં જીવુબેને હાર ન માની અને વિજ્ઞાનની મદદથી આ અશક્ય લાગતા ચમત્કારને શક્ય બનાવ્યો હતો.
જીવુબેનની આ અવિશ્વસનીય સફર ઓક્ટોબર, 2021માં IVF પદ્ધતિ દ્વારા પૂર્ણ થઈ હતી. તેમની ચોક્કસ જન્મતારીખના દસ્તાવેજો નહીં હોવા છતાં જીવુબેને ડોક્ટરોને જણાવ્યું હતું કે તેમણે લગભગ 65થી 70 દિવાળી જોઈ છે.
આ ઉંમરે પ્રેગ્નન્સીનું જોખમ હોવા છતાં તેમણે સંતાન માટેનું ભાવનાત્મક જોડાણ ખૂબ જ દૃઢ હતું અને તેમના પતિ વાલાભાઈ રબારીનો પણ પૂરો સહયોગ હતો.

આપણ વાચો: ફોકસઃ દામ્પત્ય સુખની ગુરુચાવી: સંતાનને માતા-પિતા બંનેના પ્રેમની જરૂર
ડોક્ટરો માટે પણ આ એક દુર્લભ કેસ હતો. પ્રેગ્નન્સી ચાલુ રહ્યા બાદ, ડોક્ટરોએ ગર્ભના વિકાસ પર સતત નજર રાખી હતી. જીવુબેનને અન્ય કોઈ ગંભીર સહ-બીમારીઓ ન હતી, પરંતુ તેમની વધુ પડતી ઉંમરને કારણે બ્લડ પ્રેશરનું જોખમ ધ્યાનમાં રાખીને ડોક્ટરોએ આઠ મહિનાની પ્રેગ્નન્સી બાદ સી-સેક્શન દ્વારા ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો હતો. આ રીતે જીવુબેન અને વાલાભાઈને તેમના લગ્નજીવનના 45 વર્ષ પછી તેમનું પ્રથમ સંતાન પ્રાપ્ત થયું.
જીવુબેનને માતા બન્યાને ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ તેમની સંકલ્પશક્તિની આ કહાણી આજે પણ સોશિયલ મીડિયા પર પ્રેરણાસ્રોત બની રહી છે. ડોક્ટરોએ પણ 70 વર્ષની ઉંમરે સ્વસ્થ અને સુરક્ષિત બાળકના જન્મને વિશ્વના સૌથી દુર્લભ અને પ્રેરણાદાયક કિસ્સાઓમાં સ્થાન આપ્યું છે.



