કચ્છ બની રહ્યું છે ગ્રીન એનર્જીનું ગ્લોબલ હબ, રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટમાં હાઇબ્રિડ એનર્જી પાર્ક આકર્ષણનું કેન્દ્ર બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ સવાયા કચ્છી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વિઝનથી કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગ્રીન એનર્જીનું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. વિશ્વનો સૌથી મોટો રિન્યૂએબલ હાઇબ્રિડ એનર્જી પાર્ક કચ્છમાં આકાર લઇ રહ્યો છે. ભારત સરકારના વર્ષ ૨૦૭૦ સુધીમાં `નેટ ઝીરો’ ઉત્સર્જનના લક્ષ્યાંકની દિશામાં કચ્છનો રિન્યૂએબલ એનર્જી પાર્ક મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યો છે.
ભુજ તાલુકાના સરહદી વિસ્તારમાં ૩૭ ગીગાવોટ ગ્રીન એનર્જીના લક્ષ્ય સાથે ખાવડા હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કના નિર્માણનું કાર્ય હાલે પૂરજોશમાં ચાલી રહ્યું છે. માત્ર સોલાર જ નહીં પણ વિન્ડ એનર્જીને એટલું જ પ્રાધાન્ય આ રિન્યૂએબલ એનર્જી પાર્કમાં આપવામાં આવી રહ્યું છે. રાજકોટમાં યોજાનારી રિજિયોનલ વાઈબ્રન્ટ કોન્ફરન્સમાં કચ્છના આ મહત્વાકાંક્ષી પ્રકલ્પે મેળવેલી સિદ્ધિને વૈશ્વિક રોકાણકારો સમક્ષ રજૂ કરાશે.
પ્રાપ્ત માહિતી મુજબ, સીમાવર્તી ખાવડા વિસ્તારમાં ૭૨,૬૦૦ હેક્ટર જમીન પર અંદાજિત રૂા. ૧,૫૦,૦૦૦ કરોડની લાગતના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ હાઈબ્રીડ એનર્જી પાર્કના નિર્માણકાર્યમાં ૨૩,૦૦૦થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થઇ રહી છે. અત્યાર સુધીમાં ૧૧.૩૩ ગીગાવોટ ક્ષમતા કાર્યરત થઇ ચૂકી છે.
જેમાં સૌર ઊર્જાનો હિસ્સો ૯.૮૨ ગીગાવોટ છે, જ્યારે પવન ઊર્જાનો હિસ્સો ૧.૫૧ ગીગાવોટ નોંધાયો છે. આગામી ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં આ પાર્ક તેની પૂર્ણ ૩૭.૩૫ ગીગાવોટની ક્ષમતા સાથે કાર્યરત થાય તેને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. અહીંથી ઉત્પન્ન થતી વીજળીને દેશના અનેક રાજ્યો સુધી પહોંચાડવા માટે પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિશેષ વીજ ટ્રાન્સમિશન નેટવર્ક ઊભું કર્યું છે. આ પ્રોજેક્ટને કારણે કચ્છના યુવાનો માટે `ક્લીન ટેકનોલોજી’ ક્ષેત્રે નવાં કૌશલ્યવર્ધન અને આર્થિક સમૃદ્ધિનાં દ્વાર ખુલ્યાં છે.



