કચ્છમાં ઘુમતા પર્યટકોને ઠંડીએ ઊંઘતા ઝડપ્યા, નલિયા અને ભુજમાં ચાલુ સીઝનની નોંધાઈ સૌથી વધુ ઠંડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ આશ્ચર્યજનક રીતે પોષ મહિનાની પ્રીત ગણાતી ઠંડીએ કચ્છમાં પગપેસારો કર્યો ન હતો પણ પોષી પૂનમના દિવસથી સરહદી જિલ્લા કચ્છમાં તેની તાસીર પ્રમાણેની કડકડતી ઠંડી આખરે આવી પહોંચી છે.
કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આજે લઘુતમ તાપમાન ૭.૫ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતાં આ સરહદી વિસ્તારમાં ભારે ઠંડી પડી રહી છે. અધૂરામાં પૂરું, અહીં મહત્તમ તાપમાન પણ ૨૬ ડિગ્રી સે.જેટલું રહેતાં અહીં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે અને નલિયાએ રાજ્યના સૌથી ઠંડા મથકોમાં પોતાનું સ્થાન કાયમ રાખ્યું છે.
ભુજમાં પણ આજે લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી સે.નોંધાયું હતું અને લોકોને પહેલીવાર આખો દિવસ ગરમ કપડાંમાં લપેટાયું પડ્યું છે. દરિયાકાંઠા નજીક આવેલા વિસ્તારોમાં પણ આજે ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે. કંડલા,મુંદરા અને માંડવી ખાતે આજે લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી સે.થી ૧૩ ડિગ્રી સે. વચ્ચે રહેવા પામ્યું છે.
કચ્છમાં ઘૂમી રહેલા પર્યટકો ‘ઠંડી નથી,ઠંડી નથી’ કરતા હતા તેઓ જાણે ઊંઘતા ઝડપાયા હોય તેમ ઠંડીના સપાટાએ આવા પર્યટકોને પરેશાન કરી દીધા છે. આજે સંખ્યાબંધ પર્યટકો માંડવી બીચ પરથી વહેલા પરત ભુજ આવી પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં આ શિયાળાએ વિચિત્ર વર્તાવ કર્યો છે અને એક સમયે જ્યાં પોષ મહિના દરમ્યાન 0 ડિગ્રી સેલ્સિયસ કે ૧ ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુતમ તાપમાન રહેતું હોય, તેવા આ જિલ્લામાં હજુ સુધી ઠંડીનો આંક છેક આજે નલિયા ખાતે ૭ ડિગ્રી અને ભુજ ખાતે ૧૧ ડિગ્રી સે.એ પહોંચ્યો છે તે વાત નવાઈ પમાડે તેવી છે. દરમ્યાન, ભુજ ખાતે આજે એર ક્વોલિટી ઇન્ડેક્સ ૧૬૧ જેટલો એટલે કે ‘બિન આરોગ્યપ્રદ’ નોંધાયો છે.
આ પણ વાંચો…અમદાવાદમાં નોંધાયો શિયાળાની સીઝનનો સૌથી ઠંડો દિવસ, આજે પારો વધુ ગગડવાની આગાહી



