‘મેરી ક્રિસમસ’ના નાદથી ગુંજી ઉઠ્યું કચ્છ, ચર્ચોમાં ‘મિડનાઈટ પ્રેયર’ સાથે પ્રભુ ઈશુના જન્મને વધાવાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ કચ્છના ચર્ચોમાં મધ્યરાત્રીની પ્રાર્થનાની સાથે જ નાતાલ પર્વની ઉમંગભેર ઉજવણી શરૂ કરાઈ હતી અને ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલા દેવળોમાં રંગબેરંગી રોશની સાથે જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.ઠંડીમાં આંશિક રાહત મળવા છતાં એકંદરે નાતાલની ઉજવણી વ્હાઇટ ક્રિસમસ જેવા માહોલમાં જ થઇ રહી છે.

ભુજના વિક્ટોરિયન સમયગાળાના સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ ખાતે નાતાલની પૂર્વ મધ્યરાત્રીએ ‘મીડ નાઈટ પ્રેયર’ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભુજમાં સ્થાયી થયેલા ખ્રિસ્તી પરિવારો ઉમટ્યાં હતા. આ ઉપરાંત ધાણેટી તેમજ નાડાપા ખાતે મિશનરી શાળાઓમાં નાતાલની ઉજવણી કરાઈ હતી.

ભુજ,ગાંધીધામ,મુંદરા અને કંડલા ખાતે પણ આજે દેવળોમાં નાતાલની ચમક દેખાઈ રહી છે. કચ્છમાં ભૂકંપ બાદ થયેલા ઔદ્યોગિકીકરણ બાદ ખ્રિસ્તી પરિવારોની સંખ્યામાં વધારો થયો છે જેને લઈને નાતાલના તહેવારોની રંગત વધી રહી છે. ભુજની બજારોમાં સાન્તાક્લોઝના કટ-આઉટ,ક્રિસ્મસ ટ્રીની રોશની પણ જોવા મળી રહી છે.આજે ઠેર ઠેર ગિફ્ટ આર્ટીક્લ્સની અને સ્ટેશનરીની દુકાનોમાં તેમજ હોટલ-રેસ્ટોરાંમાં પણ નાતાલની રંગત વર્તાઈ રહી છે. લોકો પ્લાસ્ટિકની ક્રિસમસ ટ્રીને બદલે સાચી ક્રિસમસ ટ્રી તરફ વળ્યાં છે.
કચ્છના ધોરડો ખાતેના સફેદ રણ ખાતે ચાલી રહેલા રણોત્સવમાં પણ નાતાલની અસર વર્તાઈ હતી. નાતાલની ઉજવણી પાછળનો એક હેતુ લાંબા થતા પૃથ્વી પર પડતાં સૂર્ય કિરણોને વધાવવાનો પણ છે. આજથી સાંજ લાંબી થશે અને અંધારું મોડું થવા લાગશે જેથી જનજીવનને રાહત થવા પામશે. છેલ્લા થોડા વર્ષોથી ક્રિસમસની પાર્ટીમાં યુવાનો અને યુવતીઓ પણ જોડાય છે પણ આવી પાર્ટી યોજતા ખ્રિસ્તી સમુદાય સિવાયના આયોજકોને કે તેમાં ભાગ લેતા થનગનતા લોકોને સાન્તાક્લોઝ કોણ હતા?, ક્રિસમસ ટ્રીનું મહત્વ શું છે?, જીંગલ બેલ એટલે શું જેવી નાતાલ સંલગ્ન બાબતોની જાણકારી નથી.
ઉલ્લેખનીય છે કે, સાન્તાક્લોઝનું સાચું નામ સંત નિકોલસ હતું અને તેઓ ઈશુના ૨૭૦માં વર્ષમાં ભૂમધ્ય સમુદ્રના કાંઠે તુર્કીના મહત્વના શહેર પટારા ખાતે થયો હોવાનું મનાય છે. ‘ક્રિસ્ટ્મસ ટ્રી’નું નાતાલ પર્વમાં ખાસ મહત્વ હોય છે. તે ‘એવર ગ્રીન’ લાઇફનો સંદેશો આપે છે જયારે ક્રિસમસ ટ્રી પર લગાડાતી રોશની ઈશુનું તેજ બતાવે છે. તેનો આકાર પિતા, પુત્ર અને પવિત્ર આત્માના પ્રતિક સમો છે. ક્રિસમસ ટ્રીને ૧૬મી સદીથી જર્મનીમાં રજૂ કરાઈ હતી. જર્મનીમાં ક્રિસમસ ટ્રીની રજુઆત બાદ તે ૧૯મી સદી દરમ્યાન પ્રિન્સ એલ્બર્ટ અને ઇંગ્લેન્ડના રાણી કવિન વિક્ટોરિયા દ્વારા ક્રિસમસ ટ્રીનું મહત્વ દર્શાવાયું હતું. ત્યારબાદ તે અમેરિકનોમાં પણ લોકપ્રિય બની હતી અને હવે ક્રિસમસ ટ્રી દુનિયાભરમાં નાતાલની ઉજવણીનો એક મહત્વનો ભાગ બની છે.
ક્રિસમસ ટ્રીની જેમ જિંગલ બેલ્સનું પણ નાતાલ પર્વમાં વિશેષ મહત્વ છે અને તે સપાટ બર્ફીલા મેદાનોમાં રેન્ડિયરની મદદથી હંકારાતી લાકડાની ગાડીમાં બેઠેલા સાન્તાક્લોઝનું ચિત્ર રજૂ કરે છે. આ ઉપરાંત નાતાલના ગીતો એટલે કે ‘ક્રિસમસ કેરોલ્સ’માં પણ તેનો ઉપયોગ થાય છે.
આપણ વાંચો: ચાઈનીઝ ચાર્જરને કહો બાય-બાય, ભુજના વિદ્યાર્થીઓએ બનાવ્યું ઈ-બાઈક માટેનું ‘યુનિવર્સલ’ ચાર્જર…


