કચ્છ સરહદે 4.1ની તીવ્રતાનો ભૂકંપ: ખાવડાથી 55 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છની અશાંત ધરતીના પેટાળમાં વધી ગયેલી સીસ્મિક એક્ટિવિટીને પગલે રીતસરનો ગભરાટ ફેલાયો છે. ગત ૨૬મી ડિસેમ્બરના કચ્છને ધ્રુજાવનારા 4.6ની તીવ્રતાના ભૂકંપ બાદ આજે મધ્યરાત્રીના 1.22 કલાકે ભુજ તાલુકાના ખાવડા નજીકની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રણમાં ભેદી ધડાકા સાથે 4.1ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો અનુભવાતા કેન્દ્રબિંદુ આસપાસના વિસ્તારોના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
લોકો ઉંઘમાંથી સફાળા જાગી ગયા
વિનાશક ધરતીકંપના ટ્રેઇલર સમા આ આંચકાની તીવ્રતા ખાવડા તરફ વિશેષ અનુભવાઈ હતી જેમાં મકાનોના બારી-બારણાં,અભેરાઈ પર ચડાવેલાં વાસણો ખખડી ઉઠયા હતા. કાચા-પાકા મકાનોમાં લાગેલા સીલિંગ ફેન હાલક-ડોલક થતા નજરે પડતાં નિંદ્રામાંથી સફાળા જાગી ગયેલા લોકોએ મકાનોની બહાર દોટ લગાવી હતી.
ઊંડાઈ માત્ર 11.6 કિલોમીટર
પ્રાપ્ત વિગતો પ્રમાણે, મોડી રાત્રીના ખવડાથી 55 કિલોમીટર દૂર ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિસીમાં નજીક કેન્દ્રબિંદુ ધરાવતો, 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની ઊંડાઈ માત્ર 11.6 કિલોમીટર રહી હતી. ધરાને સતત ધ્રુજાવી રહેલા ભૂકંપના આંચકાઓના કેન્દ્રબિંદુ વાગડ ફોલ્ટલાઇનની આસપાસના જ રહ્યા છે. જેમાં ભચાઉ, ફતેહગઢ,રાપર,કરમરીયા અને પ્રાચીન નગર ધોળાવીરાનો, ઉપરાંત સૌરાષ્ટ્રના ઉના અને ઉપલેટાનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાનના કરાચી તેમજ સિંધ પ્રાંત આસપાસના વિસ્તારોમાં પણ આ આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળ્યું હતું. ઈ.સ 2001ના ગોઝારા ભૂકંપની 25મી વરસી નજીક આવી રહી છે તેવામાં આજે ઉદભવેલા 4.1ની તીવ્રતાના આંચકાએ કચ્છના લોકોને ફફડતા કરી દીધા છે.
આ પણ વાંચો…ઉત્તરાયણ પર ગુજરાતમાં ભૂકંપના આંચકા: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી



