ભુજ

ચક્રવાતમાં ફેરવાઈ રહેલાં ડીપ ડિપ્રેશનથી કચ્છ પરેશાન: બેથી અગિયાર ઇંચ વધુ વરસાદ

ભુજ: સમગ્ર ગુજરાતમાં તાંડવ મચાવી રહેલી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ હવે જયારે ધીમે-ધીમે ચક્રવાતમાં ફેરવાઈ રહી છે ત્યારે તેની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે. આજે બપોર બાદ પવનની ઝડપ ખુબ વધી રહી છે અને વરસાદી ઝાપટાંઓ સાથે, ઠંડા તેજીલા પવનોએ આતંક મચાવ્યો છે. આજે સવારથી કચ્છની બંદરીય નગરી માંડવી ખાતે ફરીથી વધુ દસ ઇંચ વરસાદ ખાબકતાં શહેરમાં હોનારતની પરિસ્થિતિ સર્જાઈ છે અને મધ્યમાં આવેલા આઝાદ ચોક અને ભીડ બજાર જેવા વિસ્તારોમાં રસ્તાઓ પર ત્રણથી પાંચ ઇંચ પાણી ભરાયાં છે.

આજે સમગ્ર માંડવી શહેરના લોકોને વરસાદી પાણીએ જાણે નજરકેદ કરી દીધા છે. માંડવીના નીલકંઠ નગર, મેઘમંગલ નગર, બાબાવાડી અને મારુતિ નગર ખાતે રહેણાંકના મકાનોમાં રૂકમાવતી નદીના પાણી ઘુસી આવતાં ભારે વિકટ પરિસ્થિતિ ઉભી થવા પામી છે. મેઘમંગલ સોસાયટીના મકાન નંબર ૩૬માં રહેતા ચંપકભાઈ મામતોરાએ જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં પ્રવેશવાના રસ્તે ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી છે જે મકાનની અંદર ઘુસી આવતાં પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી આવી જ પરિસ્થિતિ છે.

તેવી જ રીતે માંડવીના ભુજ ઓકટ્રોય પાસે આવેલા નીલકંઠ નગર પાસે પણ રૂકમાવતી નદીના વરસાદી પાણીએ સમગ્ર સોસાયટીને જાણે બંધક બનાવી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ હોવાનું અહીં રહેતા દામજીભાઇ ભાર્યાએ જણાવ્યું હતું. આ ઉપરાંત માંડવીના સ્વામિનારાયણ મંદિર, મુખ્ય બજાર, લાકડા બજારમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું છે.

છેલ્લા બાર કલાકમાં થયેલા ૧૧ ઇંચ વરસાદને પગલે માંડવીના સામા કાંઠે આવેલા સલાયા ખાતે ભારે પવનોની થપાટથી એક વહાણ તેના લંગરથી છૂટું પડીને આપમેળે દરિયા તરફ જવા લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

આ પણ વાંચો: Saurashtra Rain: પરબટાણે જામનગરમાં વરસી તારાજી! જિલ્લામાં સરેરાશ 40 ઇંચ વરસાદ

જયારે તાલુકાના મોટા કાંડાગરાની એક મજૂરોની વસાહતમાંથી પણ કેટલાક શ્રમિકોનો બચાવ કરાયો હતો. તો બીજી તરફ કચ્છના પેરિસ ગણાતા મુંદરા ખાતે પણ આજે વધુ છ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં ભૂખી અને ઘેવડી નદીના પાણીએ મુંદરા શહેરને ઘેરી લીધું છે. શહેરનું જેરામસર તળાવ બીજી વાર ઓગનતા તેના પાણી રસ્તા પર ફરી વળ્યાં છે અને ડાક બંગલા તરફ જતા રસ્તે વરસાદી પાણી ભરાઈ જતાં આ રસ્તાને બંધ કરાયો છે અને ત્યાં પોલીસે બેરિકેડ ગોઠવી દીધા છે.

ભૂખી નદીના પાણી શહેરની ખજૂર બજાર અને ભુખીવાળા નાકાથી બજાર તરફ જતો રસ્તો પણ બંધ થઇ જવા પામ્યો છે.
માંડવી, મુંદરા ઉપરાંત કચ્છના સરહદી અબડાસા તાલુકામાં પણ આજે દિવસ દરમ્યાન પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં સંખ્યાબંધ ગામોમાં વરસાદી પાણીએ મુશ્કેલી સર્જી છે. તાલુકાના કોઠારા ગામે કેટલાક રહેણાંકના મકાનોમાં
પાણી ઘુસી જતાં પરિવારોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

દરમ્યાન, ચક્રવાતમાં ફેરવાઈ રહેલું ડીપ ડિપ્રેશન હજુ પણ ખુબ ધીમી ગતિએ પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ સૌરાષ્ટ્ર-કચ્છ પહોંચી રહ્યું છે જે વધુ શક્તિશાળી ચક્રવાત બનવાની શક્યતા હવામાન ખાતાંએ વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, યુરોપિયન સેન્ટર ફોર મીડીયમ રેન્જ ઓફ ફોરકાસ્ટ દ્વારા આ ચક્રવાત દરમ્યાન ફૂંકનારા પવનોની ઝડપ ૯૬ કિલોમીટર થવાની શક્યતા દર્શાવાઈ છે. આ ચક્રવાત અરબી સમુદ્ર થઈને ઓમાન તરફ જશે તેવું પણ જાણવા મળે છે.
દરમ્યાન, આજે કચ્છમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેવા પામ્યાં છે. સાંજે ચાર વાગ્યા સુધી ભુજ, ભચાઉ,લખપત અને ગાંધીધામમાં એકથી બે ઇંચ જયારે અંજારમાં ત્રણ ઇંચ વરસાદ જયારે અબડાસામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.

ભુજમાં પણ ગઈ રાત્રિથી માંડીને આજ સવાર સુધી વંટોળિયા સાથે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતા. ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ આખરે ઓગની જવા પામ્યું છે. શરદ બાગ પાસેના હમીરસર તળાવના ઓગન આસપાસનો રસ્તો પોલીસ દ્વારા અવરજવર માટે બંધ કરાયો છે અને ઓગનમાંથી વહેતુ પાણી કોડકી રોડની સમાંતરે આવેલી વસાહતોમાં કોઈ તારાજી સર્જે તે પહેલાં જરૂર પડે લોકોનું સ્થળાંતર કરવાની વ્યવસ્થા ગોઠવવામાં
આવી છે.

સતત વરસી રહેલા વરસાદના પગલે ભુજના આશાપુરા નગરમાં પાણી ભરાઈ જતાં એક વૃધ્ધ મહિલાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker