ભુજ

ફરી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યું કચ્છનું દંપતીઃ 21 લાખ પડાવી લીધા ઠગોએ

ભુજઃ યુવાનો પણ સાયબર ક્રાઈમનો શિકાર બની જતા હોય છે ત્યારે વયોવૃદ્ધ દંપતીઓનો શું વાંક? જોકે સરકાર અને પોલીસ વારંવાર નાગરિકોને સજાગ રહેવા કહે છે, પરંતુ તેમ છતાં કચ્છનું એક દંપતી ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યો છે અને જીવનમૂડી એવા રૂ. 21 લાખ જેવી રકમ તેમણે ગુમાવી છે.

મુંબઈ પોલીસ અને સુપ્રીમ કોર્ટના ન્યાયધીશનો સ્વાંગ રચનારા ઓનલાઇન ઠગો દ્વારા કચ્છના મુંદરાના મોટી ભુજપુર ગામમાં રહેતા વયોવૃદ્ધ દંપતીને ડરાવી-ધમકાવી ડિજિટલ એરેસ્ટ કરીને ૨૧ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો બનાવ ભોગ બનનાર યુગલની દુબઈ ખાતે રહેતી પુત્રીની સજાગતાથી બહાર આવ્યો છે.

મોટી ભુજપુર ગામમાં રહેનારાં ૭૫ વર્ષીય વિમલાબેન દેઢિયા અને ૮૦ વર્ષના પતિ ખીમજીભાઈએ સાયબર પોલીસમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર હિમાચલ પ્રદેશમાં અને પુત્રી દુબઈ રહે છે. ગત ૧૦મી મેના રોજ તેમને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથિરીટી ઓફ ઇન્ડિયાના નામથી એક વોઈસ મેસેજ આવ્યો હતો. આ સંદેશામાં તમારા નામે એક સીમકાર્ડ લેવાયેલું છે જેના પર મની લોન્ડરીંગની ૨૪ ફરિયાદો દાખલ થયેલી છે તેવું જણાવાયું હતું.

આ ફોન બે કલાકમાં બંધ થઈ જશે વધુ માહિતી મેળવવા નવ નંબર દબાવો. વિમલાબેને નવ નંબર દબાવતાં હિન્દીમાં બોલતા અજ્ઞાત શખ્સે તત્કાળ મુંબઈ કોલાબા પોલીસ મથકમાં પહોંચવા ફરમાન કર્યું પરંતુ વૃદ્ધ ફરિયાદીએ પોતે કચ્છ હોવાનું કહીને ફોનકોલને કટ કરી દીધો હતો. ત્યારબાદ તેમને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે રાહુલ યાદવ નામના શખ્સે ફોન કરીને, તમારા પર નરેશ ગોયલ નામના વ્યક્તિએ કેસ કરેલાં છે, સાડા ત્રણસો મિલિયનનો ગોટાળો છે તેમ જણાવી યાદવે કેસોના સેટલમેન્ટ માટે સંપત્તિની વિગતો આપવા જણાવ્યું.

આપણ વાંચો:  અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 60 કેસ નોંધાયા, રાજકોટના એસપી હિમકરસિંહ પણ આવ્યા ઝપેટમાં

ફફડી ગયેલા ફરિયાદીએ તેમની બેંકની ફિક્સ ડિપોઝિટ સહિતની વિગતો આપ્યા બાદ રાહુલે તમે સિનિયર સિટીઝનો છો, તમને હાઉસ અરેસ્ટ કરીએ છીએ, કૉર્ટની મંજૂરી વગર ઘર બહાર ના નીકળતાં કહીને વોટસએપ પર અરેસ્ટ વૉરન્ટ મોકલ્યું હતું.

અજાણ્યા ગઠિયાઓએ તેમને સતત વીડિયો કોલ કરતા હતા. બાદમાં તમે મોટી ઉંમરના છો, કેસ ઝડપથી ચાલે તે માટે નામદાર કોર્ટને એક અરજી કરી દો તેમ કહીને એક અરજી લખાવડાવી હતી. સુપ્રીમ કોર્ટના જજ બનેલા આ ગઠિયાઓએ તેમની અરજીની સુનાવણી હાથ ધરી હતી. જજે તેમની એફડીને તોડાવીને રકમ બેંક ખાતામાં મેળવી લઈ તેમના દ્વારા અપાતા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી આપવા હુકમ કર્યો હતો.

ફરિયાદી એફડી તોડાવવા માટે બેંકમાં ગયા ત્યારે પણ ગઠિયાઓએ વીડિયો કૉલ સતત ચાલું રાખ્યો હતો, એટલું જ નહીં, આસપાસમાં અન્ય લોકોને શક ના જાય તે માટે એક નંબર મોકલીને તે નંબર તેમના પુત્રના નામે સેવ કરી જરૂર પડો વાત કરવા સૂચના આપી હતી. ડરના માર્યા ફરિયાદીએ પોતાના ડેબિટ કાર્ડના ફોટા, મ્યુચ્યુઅલ ફંડ્સના કાગળિયા પણ મોકલવાના હતા પરંતુ કરિયર બંધ હોઈ તે મોકલ્યાં નહોતા. આ રીતે, સાયબર માફિયાઓએ ૨૧ લાખ રૂપિયા તેમના બે અલગ અલગ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતાં.

ડિજિટલ એરેસ્ટ દરમિયાન વિમલાબેનની દુબઈ રહેતી. ૪૭ પુત્રી શેફાલીએ માતા પિતા જોડે વાત કરી પરંતુ ડરી ગયેલી માતાએ તેને આ અંગે કશી વાત કરી નહોતી. જો કે, દુબઈ બેઠેલી દીકરી માતાના અસહજ વાણી વર્તાવથી પામી ગયેલી શેફાલીએ મિત્રોની મદદથી મુંદરા પોલીસનો સંપર્ક કર્યો અને ૧૬ મેના રોજ મુંદરા પોલીસની ટીમ ફરિયાદીના ઘેર ગઈ ત્યારે સમગ્ર બનાવ બહાર આવ્યો હતો. બનાવ અંગે તેમણે સાવબર ક્રાઈમ હેલ્પલાઈન પર અરજી કર્યા બાદ ભુજમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકે અજ્ઞાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, આવા ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં નાણાં જેના ખાતામાં ગયા હોય અને ત્યાંથી અનેક ઉથલપાથલ થાય તે પૂર્વે જ વહેલી તકે સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરવામાં આવે તો નાણાં પરત મળવાની સંભાવના વધી જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button