કચ્છમાં ‘વોટચોરી’: મતદાર યાદીમાં બોગસ અને બેવડા નામ નોંધાયાનો કોંગ્રેસનો દાવો

ભુજ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં એક લાખથી વધુ બોગસ મતદારોના નામ-સરનામાનો ઉલ્લેખ કરીને ભારતમાં ચાલી રહેલા કથિત વોટ ચોરીના કૌભાંડ ઉજાગર કર્યું હતું અને આ મુદ્દે દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. ત્યારે આ દરમિયાન કચ્છ કોંગ્રેસે પણ જિલ્લામાં મતદાર યાદીઓમાં ગોટાળા કરીને લાખો બોગસ મતદારોના નામ ઉમેરી દેવાયાં હોવાનો ગંભીર આરોપ કર્યો હતો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે ભુજમાં મતદાર યાદીના કેટલાંક પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે કચ્છમાં અંદાજે એક લાખથી વધુ મતદારો એવા છે કે જેમના નામ બે જગ્યાએ નોંધાયેલાં હોવાનું જણાયું છે.
મતદાર યાદી સુધારણાના નામે વહીવટી તંત્રના અધિકારીઓએ કચ્છમાં કાર્યરત ઔદ્યોગિક એકમોના પ્રબંધકોએ તેમની ફેકટરીમાં કામ કરતાં પરપ્રાંતીય મજૂરોના નામ પણ નવા મતદારો તરીકે કચ્છની મતદાર યાદીમાં ચડાવી દીધા હતાં. એવા મતદારો પણ છે કે જેમના નામ મુંબઈમાં નોંધાયેલાં છે. ગાંધીધામ સંકુલમાં સેંકડો મતદારો એવા છે કે, જેમના નામ શહેરો અને તેમના વતનના ગામડાઓમાં એમ બબ્બે જગ્યાએ નોંધાયેલા છે.
આ પણ વાંચો: શું ભાજપ સરકાર કોંગ્રેસના પ્રવક્તાની ન્યાયાધીશ તરીકે ભલામણ કરશે: ગાડગીળ
વી. કે હુંબલે વધુમાં જણાવ્યું હતું કે મુંદરા અને માંડવી વિધાનસભામાં અનેક પરપ્રાંતીય મજૂરોના નામ મતદાર તરીકે નોંધાયેલા છે. આ આંકડો અંદાજે પાંત્રીસ હજાર જેટલો હોવાનું જણાવીને તેઓએ મુંદરાના સમાઘોઘા ગામનો દાખલો આપતાં જણાવ્યું કે, અહીં આવેલી જિન્દાલ કંપનીમાં કામ કરતાં પરપ્રાંતીય કર્મચારીઓ અને મજૂરોના નામ ફોર્મ નંબર-૬ના માધ્યમથી નવા મતદારો તરીકે ઉમેરી દેવાયાં છે.
ચોપડા પર તેમની ઉંમર ૩૫, ૪૦ કે તેથી વધુ વર્ષની બોલે છે. વાસ્તવમાં તેમના રાજ્યમાંથી નામ કમી થાય ત્યાર બાદ સ્થળાંતરિત મતદાર તરીકે જ સ્થાનિક નામ નોંધવામાં આવે તેવો નિયમ હોવા છતાં પરપ્રાંતીય મજૂરોના નામ આ રીતે નવા મતદાર તરીકે કચ્છની મતદાર યાદીમાં નામ નોંધાયેલાં છે.
વધુમાં તેમણે આરોપ કર્યો હતો કે સમાઘોઘા ગ્રામ પંચાયતમાં તો સરપંચ ગ્રામજનોની ઈચ્છાથી નહીં પરંતુ કંપનીની ઈચ્છાથી નીમાય છે! પંચાયતની બૉડીમાં ચાર પ્રતિનિધિઓ એવા છે કે જેઓ પરપ્રાંતીય છે તેમ તેઓએ ઉમેરી, વધુમાં જણાવ્યું હતું કે, માધાપર વર્ધમાન નગર ગ્રામ પંચાયતમાં નોંધાવેલા અનેક મતદારો ભુજ નગરપાલિકાના મતદારો તરીકે પણ નોંધાવેલા છે.
આ પણ વાંચો: અહમદ પટેલનો દીકરો નરેન્દ્ર મોદી પર ઓળઘોળ, શું કર્યા વખાણ ? કોંગ્રેસની કેવી કાઢી ઝાટકણી ?
એ જ રીતે, ગાંધીધામના ગળપાદર ગામમાં સરહદી સલામતી દળના ૧૧૦૦ જેટલા જવાનોના નામ મતદાર તરીકે નોંધાયેલાં છે. આમાંના મોટાભાગના જવાનો વર્ષો અગાઉ બદલી પામીને અન્યત્ર જતા રહ્યાં છે પરંતુ મતદાર યાદીમાંથી તેમના નામ કમી થતાં જ નથી. આવી જ પરિસ્થિતિ રેલવે કર્મચારીઓ હોય તેવા મતદારોના નામની નોંધણીની છે.
હુંબલે ઉમેર્યું હતું કે, કાયદાની જોગવાઈ મુજબ કુલ વસતિની તુલનાએ મતદારોની સંખ્યા ૬૨ ટકાથી વધુ ના હોવી જોઈએ. પરંતુ, કચ્છમાં ૨૩.૬૩ લાખની વસતિ સામે કુલ નોંધાયેલા મતદારોનું પ્રમાણ ૭૦ ટકા જેટલું છે. આ પ્રમાણ જોતાં કચ્છમાં લાખોની સંખ્યામાં બોગસ અને બેવડા મતદારો નોંધાયા હોય તેમ લાગી રહ્યું છે જેથી આ લોકશાહી સામેના ગંભીર મુદ્દાની નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી છે.