પ્રેમ સંબંધનો લોહિયાળ અંત: કચ્છમાં ‘છેલ્લી મુલાકાત’ કહેતાં જ પ્રેમીએ યુવતીની પથ્થરથી છુંદી હત્યા કરી

ભુજ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હત્યાના બની રહેલા બનાવોએ સમાજ અને પોલીસ બંને સામે અનેક સવાલો ઊભા કર્યા છે. પારિવારિક સંબંધો, પ્રેમ વગેરે જેવા પવિત્ર અને સમાજના આધાર સમાન સબંધોના કરુણ અંજામની ઘટનાઓ ચોંકાવનારી અને ચિંતાજનક છે. આવો જ એક કિસ્સો કચ્છના ભુજ તાલુકાના ઢોરી ગામેથી પ્રકાશમાં આવ્યો હતો. જેમાં એક પ્રેમી યુવકે તેની ૨૮ વર્ષની પરિણીતાની મળવા બોલાવી, પથ્થર વડે મોઢું છુંદી નાખી ઘાતકી હત્યા નિપજાવી દેતાં પંથકમાં ચકચાર પ્રસરી ગઈ હતી.
મળતી વિગતો અનુસાર, રવિવારે સવારે અગિયાર વાગ્યાના અરસામાં બનેલી ઘટના અંગે મૃતક ઝરીના દાઉદ કુંભારના ભાઈએ માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતો અનુસાર, ઝરીનાના અગાઉ નિરોણા ગામમાં નિકાહ થયા હતા જો કે પતિ સાથે મનમેળ ના આવતા લગ્નના ત્રણ વર્ષ બાદ તલાક લઈને માવતરે રહેતી હતી. આ દરમ્યાન ઝરીના અને તેના જ ગામમાં રહેતા હરેશ કાનજી ગાગલ વચ્ચે મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં પત્નીની આંખ સામે તેના પૂર્વ પ્રેમીએ પતિને માર્યા છરીના ઘા!
જો કે પરિવારે બીજી તરફ ઝરીનાનાં બીજા નિકાહ કોઈ અન્ય યુવક જોડે કરાવવાનું નક્કી કરી લીધું હતું. ગામમાં આવેલી દૂધની ડેરીમાં કામ કરતા હત્યારા હરેશે ઝરીનાને ડેરીએ મળવા માટે બોલાવી હતી. ઝરીનાએ તેના અન્ય યુવક સાથે નિકાહ પઢવાનું નક્કી થઇ ગયું હોવાનું જણાવી, આ આપણી છેલ્લી મુલાકાત છે તેમ કહેતાં હરેશ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પથ્થર વડે ઝરીનાનાં મોઢા પર વાર કરીને તેણીની કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યાના આ બનાવ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



