ભુજ

ભુજમાં બુટલેગરના મકાનમાંથી બે ઈમ્પોર્ટેડ એરગન સહિત શિકાર કરાયેલાં પ્રાણીઓના અવશેષો મળતા ચકચાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ કચ્છમાં વિચરતા વન્યજીવોના શિકાર કરવાની પ્રવૃતિઓ સતત વધી રહી છે. આ દરમ્યાન ભુજના હવાઈમથક પાસે આવેલા આશાપુરા નગરમાં રહેતા એક બુટલેગરના રહેણાકમાં વન વિભાગની ટુકડીએ દરોડો પાડીને વન્ય પ્રાણીઓના શિકાર માટેની બે એરગન સહિત તીક્ષ્ણ હથિયારનો મોટો જથ્થો ઉપરાંત શિકાર કરાયેલાં અબોલ પ્રાણીઓના દાંત, જડબાં, શાહુડીના અવશેષોને ઝડપી પાડતાં ચકચાર મચી ગઈ હતી.

આ અંગે ભુજ પશ્ચિમ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એચ.સોલંકીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભુજના એરપોર્ટની સામે આવેલાં આશાપુરા નગરમાં રહેનાર સુરેશ દિલીપ કસવીયા (કોલી) (મૂળ રહે. મનફરા, ભચાઉ) નામનો શખ્સ વન્યજીવોનો શિકાર કરતો હોવાની મળેલી સચોટ બાતમીના આધારે ૧૪ જેટલા વન્યકર્મીઓએ ગત મધરાતે સુરેશના ઘરે દરોડો પાડ્યો હતો.

ઘરમાંથી શું-શું મળ્યું

તેના ઘરના પેટી પલંગમાંથી બે ઈમ્પોર્ટેડ એરગન ઉપરાંત નાનાં-મોટાં ચાકુ, છરી, ભાલા સહીતના ૩૦થી વધુ હથિયારો મળી આવ્યાં હતા. આ ઉપરાંત શિકાર થયેલી એક શાહુડી અને અન્ય વન્ય જીવોના અંગોના અવશેષો મળી આવ્યાં હતા. તેના રહેણાંક મકાનની વધુ તપાસ દરમ્યાન દેશી દારૂની ભઠ્ઠી. દેશી દારૂ ભરેલાં ૧૩ બેરલ અને આથો ભરેલાં બે પીપડાં મળી આવતાં વનતંત્રની ટુકડીએ ભુજ એ ડિવિઝન પોલીસને જાણ કરાતાં સુરેશના ઘરે પહોંચેલી પોલીસે સુરેશના ઘરમાંથી ૧૫ હજારના ૭૫ લિટર દેશી દારૂ ભરેલાં ૧૩ બેરલ, ૧૦ લિટર આથો ભરેલું એક બેરલ જપ્ત કરવામાં આવ્યા હતા.

કેવી રીતે કરતો હતો શિકાર

પ્રાથમિક તપાસમાં સુરેશ વગડામાં વિચરતાં પ્રાણીઓનો એરગન વડે શિકાર કરતો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ શખ્સ વિરુધ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો તળે તેમજ પ્રોહિબિશનની વિવિધ ધારા તળે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી આદરવામાં આવી હોવાનું એ.એચ.સોલંકીએ ઉમેર્યું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button