કચ્છઃ અકસ્માતમાં એક યુવાને તો આત્મહત્યાના કેસમાં બે મહિલાના મોત

ભુજઃ પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક એવા ગાંધીધામ શહેર નજીક માર્ગ પર ઊભેલાં ટ્રેઇલરની પાછળ મોટરસાઇકલ ભટકાતાં વરસામેડીના પ્રશાંત નરેશ સિંઘ (ઉ.વ.૨૨)નું મોત થયું હતો, કિડાણામાં ઇન્દુબેન નારાયણ મહેશ્વરી (ઉ.વ.૫૫)એ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો તેમજ વરસાણા નંદગામમાં રૂકાયાબીબી ફિરોઝ મંડલ (ઉ.વ.૨૩)એ પણ અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવી જીવન ટુંકાવી લીધું હતું.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અંજારના વરસામેડી ગામમાં વેલસ્પન કોલોનીમાં રહેતા પ્રશાંતને વહેલી પરોઢે એક્સીડેન્ટ ઝોન બની ચૂકેલા ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ પર આ જીવલેણ અકસ્માત નડયો હતો, જેમાં હતભાગી ઘરેથી પેટ્રોલ ભરાવવા માટે નીકળ્યો હતો ત્યારે રસ્તાની વચ્ચમાં ખોટકાઇને ઊભેલાં ટ્રેઇલરની પાછળ ટકરાતાં ગંભીર ઇજાઓના પગલે ઘટનાસ્થળે જ તેને કાળ આંબી ગયો હતો.
આપણ વાંચો: ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, આત્મહત્યા કરવાનો પત્નીનો પ્રયાસ પતિ માટે માનસિક ત્રાસ
બીજી તરફ, ગાંધીધામના કિડાણાની જગદંબા સોસાયટીમાં રહેનાર ઇન્દુબેન નામના આધેડ મહિલાએ સંભવિત બીમારીથી કંટાળીને પોતાના ઘરે છતના પાઇપમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી, જયારે વરસાણા નંદગામમાં પ્લાયવૂડ કંપનીની વસાહતમાં રહેનાર રૂકાયાબીબીએ પોતાના ઘરમાં જ લોખંડના પાઇપમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ મોતનો માર્ગ અપનાવી લેતાં પોલીસે આ બંને પ્રકરણોની તપાસ હાથ ધરી છે.