વાહનચાલકોને રાહતઃ ભુજના કોડકી બાયપાસ માર્ગના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી મળી | મુંબઈ સમાચાર
ભુજ

વાહનચાલકોને રાહતઃ ભુજના કોડકી બાયપાસ માર્ગના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી મળી

ભુજઃ ભુજ શહેરની ભાગોળે આવેલા કોડકી ગામમાંથી રાઉન્ડ ઘી ક્લોક પસાર થતાં ભારે વાહનોની અવરજવરના લીધે સ્થાનિકોને થઇ રહેલી કનડગતનો અંત લાવવા માટે નવો બાયપાસ માર્ગ બનાવવા માટે ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે તાજેતરમાં ગાંધીનગર ખાતે કરેલી રજૂઆતનાં પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તત્કાળ સૈદ્ધાંતિક મંજૂરી આપી દેતાં ટ્રાફિકની વ્યાપક સમસ્યાનો ટૂંક સમયમાં અંત આવશે. ધારાસભ્ય કેશુભાઈની કોડકી ગામની સત્તાવાર મુલાકાત દરમ્યાન તેમને મળેલા કોડકી ગામના લોકોએ આ મુદ્દે રજૂઆત કરી હતી જેમાં કાંકરી, રેતી, અને પથ્થર જેવાં બાંધકામનાં મટીરીયલ ભરેલી ભારેખમ ટ્રકો દિવસભર ગામને ચીરીને મુખ્ય સાંકડા માર્ગ પર આવ-જા કરતી હોવાથી ગામમાં ટ્રાફિક સાથે સતત અકસ્માતનો ભય રહે છે. ભુજથી રતિયા અને છેક કોડકીની સીમ સુધી ભુજના સીમાડા સતત વધી રહ્યા છે અને નવી વસાહતો અને બાંધકામો થઈ રહ્યાં છે. ગ્રામજનોની આ રજૂઆતને નોંધીને તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે કોડકીનો આ ગંભીર પ્રશ્ન ધારાસભ્યે રજૂ કરી, તેના ઉકેલરૂપે નવા બાયપાસને મંજૂરીની માંગ કરી હતી. મુખ્ય પ્રધાનએ હકારાત્મક વલણ અપનાવીને સૈદ્ધાંતિક મંજૂરી આપતા ધારાસભ્યે ભૂપેન્દ્રભાઈનો આભાર માન્યો હતો.

કેશુભાઈએ જણાવ્યું હતું કે, આ બાયપાસ માર્ગ કોડકી હનુમાનજી મંદિરની ઉગમણી તરફથી નીકળશે અને વર્ષો જૂનો ટ્રાફિકનો જટિલ પ્રશ્ન ઉકેલાશે.તાજેતરમાં ભુજનાં સુખપરથી શેખપીર હોય કે કેરા બળદિયા,નારાણપર બાયપાસ જેવા માર્ગોને પણ મુખ્યમંત્રીએ બહાલી આપી હોવાનું ધારાસભ્યે ઉમેર્યું હતું.

આપણ વાંચો:  અમદાવાદમાં ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ અને એએસીએ મીડિયા એવોર્ડસ ૨૦૨૬ યોજાશે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button