કચ્છમાં જન્માષ્ટમીની રંગત: ભુજના લોકમેળામાં ત્રણ લાખથી વધુ લોકો ઉમટ્યા | મુંબઈ સમાચાર
ભુજ

કચ્છમાં જન્માષ્ટમીની રંગત: ભુજના લોકમેળામાં ત્રણ લાખથી વધુ લોકો ઉમટ્યા

ભુજ: વરસાદી વાતાવરણ વચ્ચે કચ્છભરમાં જન્માષ્ટમીના પર્વની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. ભુજ,માંડવી અને અંજાર ખાતે બે દિવસના લોકમેળા પણ યોજાય છે. સૌથી મોટો ભાતીગળ મેળો ભુજના હમીરસર તળાવની ફરતે યોજાય છે અને આ વખતે સાતમના ૧૫મી ઓગસ્ટની રજા,જન્માષ્ટમીની રજા અને ત્યારબાદ રવિવારની રજા હોવાથી ત્રણ દિવસ માટે યોજવામાં આવેલા આ લોકમેળાની મોજ અંદાજે ત્રણ લાખથી વધારે લોકોએ માણી હતી.

રાજ્યના મોટા શહેરોથી આવેલા વેપારીઓએ રમકડાં, હોઝિયરી,લેડીસ પર્સ,બગલ થેલા,ફલાવર પોટ,માટીની મૂર્તિઓ અને કાષ્ટ કામની ગૃહ સજાવટની ચીજવસ્તુઓના સ્ટોલ ગોઠવીને ભુજના સાતમ-આઠમના મેળામાં પોતપોતાના સ્ટોલ ઉભા કર્યા હતા અને જે મળ્યું તેના હિસાબે સ્ટોક ક્લિયરન્સ કરવામાં લાગ્યા હતા. આનો લાભ બાળકો અને ગૃહિણીઓને થવા પામ્યો છે કારણ કે,રમકડાં સહિતની ચીજ વસ્તુઓ ખુબ સસ્તામાં ઝડપથી વહેંચાઈ જવા પામી હતી.

બીજી તરફ, કોરોના કાળ તેમજ ડેન્ગ્યુ,મલેરિયા ટાઇફોઇડ જેવા રોગોથી શીખ મેળવી ચુકેલી જનતાએ હાથગાડીઓ પરથી વેંચાતા ખુલ્લા ખાદ્ય પદાર્થોથી અળગા રહેવાનું મુનાસીબ માનતાં ભેળ-પકોડી,રગળા-પેટીસ, પાણીપૂરી,બજારુ બરફવાળી શેરડી જેવી ખાદ્ય સામગ્રીઓનું વેંચાણ ઓછું થવા પામ્યું હતું અને તેને બદલે લીલાં નાળિયેર અને મકાઈ વેંચતા હાથગાડી વાળાઓને બખ્ખા થઇ જવા પામ્યા હતા. દરમ્યાન, ભુજના ઉપલીપાળ રોડ પર આવેલા પ્રાચીન દ્વારકાનાથના મંદિરે સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શહેરના રાજાશાહી વખતના વિસ્તારોમાં બપોર બાદ મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા.

આપણ વાંચો:  અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: જન્માષ્ટમીએ ધોધમાર વરસાદથી જળબંબાકાર, બે અંડરપાસ કરવા પડ્યા બંધ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button