કચ્છના રણમાં છે લિથિયમનો જથ્થો? સરકારે સંશોધન હાથ ધર્યુ

ભુજ: દુનિયાભરમાં એનર્જી ટ્રાન્સમિશનથી ઇલેક્ટ્રિક વાહનોને લઈને વધેલી માંગને પહોંચી વળવા આ માટેના જરૂરી લિથિયમની શોધ કરવા કચ્છના રણમાં સંશોધન હાથ ધરાશે. લિથિયમની કચ્છના રણમાં હોવાની મહત્તમ શક્યતા હોઈ, ગુજરાત સરકાર દ્વારા આ માટે કેટલાક વિસ્તારોને સંશોધન કાર્ય માટે વર્ગીકૃત કરાયા છે. ગુજરાત મિનરલ રિસર્ચ અને ડેવલોપમેન્ટ સોસાયટીના ડાયડેક્ટર પિયુષ શાહના જણાવ્યા પ્રમાણે, કચ્છના રણમાં મીઠાના ઘટ્ટ પ્રવાહી કે જેને બ્રાઇન કહેવામાં આવે છે તેને ધ્યાનમાં લઈએ તો લિથિયમનો મોટો જથ્થો મળી આવે તેમ જણાઈ રહ્યું છે.
કચ્છના રણમાં જુદી-જુદી જગ્યાઓથી લેવામાં આવેલા નમૂનાઓનું પૃથકરણ કરાતા તેમાં મોટી માત્રામાં લિથિયમની હાજરી વર્તાઈ છે જે દર્શાવે છે કે કચ્છના રણમાં તેની સપાટી પર અથવા પેટા સપાટી પર નોંધપાત્ર માત્રામાં લિથિયમ મળી રહે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, લિથિયમ મીઠાના ઘટ્ટ પ્રવાહી બ્રાઈન્સ અને અગ્નિકૃત ખડકોના સંયોજન થવાથી મળી શકે છે જેમ હાલે દક્ષિણ અમેરિકામાં આવેલા વિશાળ મીઠાના સરોવરોમાંથી મેળવતા બ્રાઈન્સમાંથી લિથિયમને છુટુ પાડવામાં આવે છે તે જ રીતે કચ્છના રણ વિસ્તારમાંથી લિથિયમ મળી રહે છે. ભારતમાં હાલે લિથિયમના બે બ્લોક્સ જમ્મુ-કાશ્મીર અને છત્તિસગઢમાંથી હરરાજી માટે અલગ કરવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતો પ્રમાણે નેશનલ મિનરલ એક્સ્પ્લોરેશન ટ્રસ્ટની એક ટેક્નિકલ સમિતિ દ્વારા આ માટે એક વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનું કહેવામાં આવ્યું છે. જો કચ્છના રણમાંથી લિથિયમનો જથ્થો મળી રહેશે તો કચ્છ આજે વિશ્વમાં જેની સૌથી વધારે માંગ છે તેવા લિથિયમનું ઉત્પાદન મેળવી શકશે અને કચ્છ માટે સુવર્ણયુગના મંડાણ થશે.
આ પણ વાંચો…ગુજરાતમાં આજથી ઘટશે તાપમાન, જાણો મહારાષ્ટ્ર સહિત દેશમાં કેવું રહેશે હવામાન…