ભુજ

વિશ્વમાં પ્રથમવાર સ્ટીલ કન્ટેનરમાં થશે મીઠાનું પરિવહન, ગાંધીધામમાં સફળ ટ્રાયલ

ભુજઃ રણપ્રદેશ કચ્છમાં ઉત્પાદિત થનારા, ભારતની જરૂરિયાતના અંદાજે ૭૦ ટકા જેટલા નમકનું રેલ માર્ગે પરિવહન થાય છે ત્યારે સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત ભારતીય રેલવે દ્વારા સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરમાં ઔદ્યોગિક મીઠાનું સફળ લોડિંગ ગાંધીધામના નીલકંઠ ઝોનમાંથી સફળતાપૂર્વક થતાં પશ્ચિમ રેલવેની આ પહેલ ઔદ્યોગિક માલના સુરક્ષિત પરિવહનની દિશામાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થઈ હતી.

આ માઈલસ્ટોન અંગે અમદાવાદ મંડળના રેલ પ્રબંધકે જણાવ્યું હતું કે, સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરમાં ઔદ્યોગિક મીઠાનું આ સફળ પરીક્ષણ ભારતીય રેલવેની નવીનતા આધારિત લોજિસ્ટિક્સ રણનીતિનું ઉત્તમ ઉદાહરણ છે. પશ્ચિમ રેલવે ફ્રેટ ઑન રેલને પ્રોત્સાહન આપવા માટે ભવિષ્યમાં આવી નવીન પહેલો નિરંતર આગળ વધતી રહેશે.આ પ્રણાલી પરંપરાગત BOXN લોડિંગની સરખામણીએ સારા લાભ આપે છે.

તેમાં વેગનની મેન્યુઅલ સફાઈ કરવાની જરૂર પડતી નથી, તિરપાળ લાઇનિંગ/કોટિંગની જરૂરિયાત સમાપ્ત થાય છે, લોડિંગ અને અનલોડિંગનો સમય નોંધપાત્ર રીતે ઓછો થાય છે, માલમાં મિલાવટ અને અપવ્યય ન્યૂનતમ રહે છે તેમજ વેગનોનો ટર્ન-અરાઉન્ડ સમય વધુ સારો થવાથી પરિચાલન કાર્યક્ષમતા અને યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળે છે. મીઠા જેવા સુકા થોક માલના પરિવહન માટે સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરોનો આ ઉપયોગ વિશ્વ સ્તરે પ્રથમ સફળ પ્રયાસ છે, જે ભારતીય રેલમાં કન્ટેનર આધારિત થોક લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં એક મોટી પહેલ છે.

દરેક કન્ટેનરનું વજન ૩ ટન છે. એક BLCS/BLSS વેગનમાં બે કન્ટેનર લોડ કરી શકાય છે, જેથી પ્રતિ વેગન ૬૮.૪ ટન નેટ લોડ પ્રાપ્ત થાય છે, ૪૮ વેગનની એક સંપૂર્ણ BLSS રેક દ્વારા અંદાજે ૩,૩૦૦ ટન મીઠાનું પરિવહન કરી શકાય છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરની શું છે ખાસિયત

બે ટોપ ઓપનિંગના કારણે લોડિંગ ઝડપી પરીક્ષણમાં ઉપયોગમાં લેવાયેલા સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરની લંબાઈ ૨૦ ફૂટ, ઊંચાઈ ૮.૫ ફૂટ અને પહોળાઈ ૮.૫ ફૂટ છે. આ કન્ટેનર સ્ટેનલેસ સ્ટીલથી બનાવાયેલ છે અને નમકના પરિવહન માટે યોગ્ય છે.લોડિંગની વ્યવસ્થા સાઇલો સિસ્ટમ દ્વારા અથવા ઉપરથી પ્રોક્લેન મશીન દ્વારા કરી શકાય છે.

૩૪.૨ ટન ઔદ્યોગિક મીઠાનું લોડિંગ માત્ર ૧૫ મિનિટ

દરમ્યાન, કાસેઝ નજીક આવેલા વે બ્રીજ પર લોડિંગના પરીક્ષણ દરમિયાન ૩૪.૨ ટન ઔદ્યોગિક મીઠાનું લોડિંગ માત્ર ૧૫ મિનિટમાં પૂર્ણ થયું, જ્યારે અનલોડિંગ માત્ર ૫ મિનિટમાં કરવામાં આવ્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button