ભારતીય નૌસેનાનું ‘હાથ વણાટનું’ કૌડિનયા વહાણ પહોંચ્યું ઓમાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ ભારતીય નૌસેનાનું હાથથી સીવેલું સઢવાળું દેશી વહાણ આઈ.એન.એસ.વી કૌડિનયા આજે સફળતાપૂર્વક ઓમાન પહોંચી જતાં તેનું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કંકુ-તિલક કરીને ઢોલ-નગારાં સાથે સ્વાગત કરાયું હતું અને આ સમયે ઓમાન બંદરે જાણે કચ્છના માંડવી-મુંદરા બંદર જેવો માહોલ ખડો થયો હતો.
જાણવા મળતી માહિતી પ્રમાણે, આ પ્રકારના વહાણનું ચિત્ર અજંતાની ગુફાઓમાં છે અને તે પાંચમી સદીમાં કારીગરો દ્વારા હાથે બનાવાતા વહાણોને આધારે બાંધવામાં આવ્યું છે. આ જહાજને કોઈ પણ જાતની ખીલીઓના ઉપયોગ વગર લાકડાની સળીઓ અને નાળિયેરના છોતામાંથી બનાવાયેલી દોરીઓથી ગૂંથવામાં આવ્યું છે અને તે હરપ્પન કાળની, ભારતીય દરિયાખેડૂઓની અપ્રિતમ કોઠાસૂઝનું પ્રતીક છે. આ વહાણના તૂતક પર હરપ્પન સમયના પથ્થરને ‘લંગર’ તરીકે બેસાડવામાં આવ્યો છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુના પ્રતીકસમા પક્ષીની પ્રતિકૃતિ પણ મુકાઈ છે.
આ પણ વાચો : અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે ભારતીય નૌસેનાનું INS સુદર્શિની
તેણે ગુજરાતના પોરબંદરથી વાયા મસ્ક્ત થઈને ઓમાન પહોંચતાં ૧૭ દિવસનો સમય લાગ્યો હતો. નોંધનીય બાબત એ છે કે આ વહાણ પર કોઈ પ્રકારની લાઇટિંગ વ્યવસ્થા નથી,કે સંદેશાવ્યવહારની કોઈ પ્રણાલી કાર્યરત નથી. તેના ખલાસીઓ માત્ર માથાં પર સોલારથી ચાર્જ થતી બેટરીવાળી ટોર્ચ લગાડીને દૂરથી આવતી સ્ટીમરોને પોતાની હાજરીથી અવગત કરાવતા રહેતા હતા. ૧૭ દિવસનો દરિયાઈ પ્રવાસ ખલાસીઓએ માત્ર ખીચડી અને અથાણું ખાઈને પૂર્ણ કર્યો હતો.
ભારતીય વહાણવટાના ઇતિહાસના મૂક સાક્ષી સમા આ વહાણને ઓમાન ખાતે ‘વોટર સેલ્યુટ’ અપાયો હતો. આ વહાણને એક ભારતીય સાગર ખેડૂનાં નામ પરથી કૌડિનયા એવું નામ અપાયું હોવાનું પણ જાણવા મળે છે. તેનું નિર્માણકાર્ય સપ્ટેમ્બર ૨૦૨૩માં શરૂ કરાયું હતું અને ગોવા ખાતે ફેબ્રુઆરી ૨૦૨૫માં તેને તરતું મુકાયું હતું. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આર્થિક સલાહકાર સમિતિના એક સભ્ય સંજીવ સાન્યાલ પણ આ વહાણની ૧૭ દિવસની સફરમાં જોડાયા હતા.



