
ભુજઃ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરના આશાપુરા રીંગરોડ વિસ્તારમાં ખાવાનું સમજીને વિસ્ફોટક ટોટાને મોઢામાં લેતાં થયેલા બ્લાસ્ટમાં માદા શ્વાનનું અતિશય પીડાથી તડપી તડપીને મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના, સીમાવર્તી રાપરના ફતેહગઢ ખાતે એક પડતર જમીનમાં ચરી રહેલી ગૌમાતાએ ખાદ્ય પદાર્થ સમજી મોઢામાં નાખેલો વિસ્ફોટક પદાર્થ ફાટતાં જડબું ફાટી જવાનો બનાવ, તેમજ બંદરીય માંડવી તાલુકાના બાડા ગામના સીમાડે ધણમાં ચરવા ગયેલા નંદીના મોઢામાં વિસ્ફોટક ગોળો ફૂટતાં જડબું અને જીભ સહિતના અંગોમાં ગંભીર ઈજા પહોંચી હોવાની ઘટના લોકોના માનસપટ પર હજુ તાજી છે તેવામાં ફરી એકવાર રાપરના સણવામાં સીમાડે ચરવા ગયેલી ખેડૂતની ભેંસના મોઢામાં દારૂખાનું ભેળવીને બનાવેલો લોટનો ગોળો ધડાકાભેર ફાટતાં આ અબોલ જીવને ગંભીર ઇજાઓ પહોંચી છે.
પીડાથી કણસતી આ ભેંસની તાત્કાલિક પહોંચેલી પશુ ચિકિત્સકિતની ટુકડીએ પ્રાથમિક ચાકરી કરી, વધુ સારવાર અર્થે નજીકના પશુ દવાખાનામાં મોકલી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટના અંગે રાપર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ, એક્સપ્લોઝીવ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૮ અને ૩૨૫ હેઠળ ફરિયાદ દાખલ કરી ગૌવંશને અત્યાચારનો ભોગ બનાવનાર નરાધમોને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાપરના ફતેહગઢ, માતાના મઢ તેમજ અબડાસામાં પણ આ જ રીતે ચરિયાણ ચરી રહેલી ગાયો વિસ્ફોટક લાડુનો શિકાર બની હતી. ભુજમાં એક માદા શ્વાન પણ આવા વિસ્ફોટક લાડુનો ભોગ બની હતી જે બનાવમાં પોલીસે ચાર શખ્સોને દબોચી લીધા હતા.
સામાન્ય રીતે ખેતરોમાં પાકને નુકસાન પહોંચાડતાં નીલગાય, ભૂંડ, વગેરે જેવા જંગલી પ્રાણીઓના ઉપદ્રવને નાથવા ખેતર માલિકો કે ભાગિયાઓ આ રીતે પોટાશ, ગંધક વગેરે જેવા વિસ્ફોટકોના મિશ્રણના લોટના લાડુ બનાવીને ખેતરના શેઢે રાખે છે, જે આરોગવા જતાં અબોલ જીવો હિંસાનો શિકાર બને છે.
આ પણ વાંચો…રવિવારની અશુભ સવારઃ વરરાજાની માતાના મોતથી લગ્ન ફેરવાયા માતમમાં, જાણો રાજ્યમાં થયેલા અકસ્માતો અંગે
ખેતરોમાં રાની પશુઓના ઉપદ્રવને નાથવા સરકારી સબસીડી સાથે કાંટાળી વાડ બનાવવાના કે કરંટ લાગે તેવા ઝટકા મશીનના વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે નેતાઓ, કાર્યકરો, ગૌરક્ષકો અને પશુ પ્રેમીઓ સઘન જનજાગૃતિ અભિયાન છેડે તે ઈચ્છનીય હોવાનું આ ઘટનાથી વ્યથિત જીવદયાપ્રેમી લોકો જણાવી રહ્યા છે.