ચાઈનીઝ રમકડા ઉપરાંત અનબ્રાન્ડેડ જૂતા અને નકલી કોસ્ટમેટીકસનો છ કરોડથી વધુનો જથ્થો જપ્ત કરી લેવાયો

ભુજઃ પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતેના મુક્ત વ્યાપાર કેન્દ્ર (સેઝ) સહિત દેશના અલગ અલગ રાજયોમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ રમકડાનો મોટો જથ્થો મુંબઈની ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા જપ્ત કરી લેવામાં આવતાં લેવામા આવ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી સત્તાવાર વિગતો મુજબ, મુંબઈ ડીઆરઆઈએ પૂર્વ બાતમીના આધારે કંડલા સેઝ સહીત દેશના જુદા જુદા બંદરો પરથી રૂ. ૬.૫ કરોડથી વધુના મૂલ્યના કુલ ૧૬૦ મેટ્રિક ટન જેટલા ગેરકાયદેસર રીતે આયાત કરાયેલા ચાઈનીઝ રમકડાં, નકલી કોસ્મેટિક્સ અને બ્રાન્ડ વિહોણા જૂતાના જથ્થાને જપ્ત કરી લેવામાં આવ્યા છે.
ડીઆરઆઇના અધિકારીઓ દ્વારા કંડલા સેઝ, મુંદરા અદાણી બંદર, હઝીરા પોર્ટ, અને ફરીદાબાદ (હરિયાણા) ખાતે આવેલા પિયાલા ખાતે ૧૦ જેટલા કન્ટેનરોની આદરેલી તપાસમાં અંદરથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ચાઈનીઝ રમકડાં તેમજ કેટલીક નકલી કોસ્મેટિક વસ્તુઓ અને ફૂટવેર મળી આવ્યા હતા.
એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ ચાઈનીઝ રમકડાં BIS પ્રમાણપત્ર વિના આયાત કરાયા હતા, જે વિદેશી વેપાર નીતિ અને ટોઈઝ (ક્વોલિટી કન્ટ્રોલ) ઓર્ડર, ૨૦૨૦ના ઉલ્લંઘન તરીકે ગણાય છે. BIS ના નિયમો સાથે અનુકૂળ ન હોય તેવી ચીજવસ્તુઓ ભારતમાં પ્રતિબંધિત છે. આવી વસ્તુઓને ભારતમાં બંદરો વાટે ઘુસાડવા માટે નાના ડેકોરેટિવ પ્લાંટ્સ, કીચેન, પેન્સિલ બોક્સ અને શો-પીસ જેવી ઓછી ડયુટીવાળી વસ્તુ તરીકે ખોટી રીતે ડિક્લેર કરવામાં આવ્યા હતા તેમ તેમણે ઉમેર્યું હતું. હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
આપણ વાંચો: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 1.74 લાખ કરોડના 32 વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી