ભુજ

સરહદી વિસ્તારોમાં જો હજુ પણ ધાર્મિક દબાણ થશે, તો બુલડોઝર ફરશે: હર્ષ સંઘવીની ચેતવણી

ભુજ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી ભારત-પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા, સામાજિક-આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા માટે કચ્છની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છના લખપત તાલુકાના કપુરાશી ગામ ખાતે કપૂરાશી અને કોરિયાણી ગ્રામજનો સાથે સંવાદ કરીને ‘ખાટલા બેઠક’માં સહભાગી થયા હતા.

કપુરાશી ગામમાં યોજાયેલી આ ખાટલા સભાને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સરહદી ગામોનો વિકાસ કેવી રીતે કરી શકાય તે ઉદ્દેશ્ય સાથે ૩૦થી વધુ સીનિયર પોલીસ અધિકારીઓ સરહદી ગામોમાં સભા સંવાદ યોજીને નાગરિકોની સમસ્યાઓથી અવગત થયા છે. તેમણે કપુરાશીમાં રાત્રી સભા, રોકાણ અને ગ્રામજનો સાથેના સંવાદને એક મહત્વપૂર્ણ અવસર ગણાવ્યો હતો. સરહદ પારથી થતી ઘૂસણખોરી અટકાવવામાં ગ્રામજનોના સાવચેત વલણના કારણે સમયાંતરે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું કે કપુરાશી સહિત કચ્છના અનેક ગામોએ ‘સરહદના સંત્રી’ની ભૂમિકા અદા કરી છે.

સંઘવીએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો કે તેઓ સીમાપારથી થતી ઘૂસણખોરી અને સરકારી જમીન પરના દબાણો સહિતની બાબતોની જાણકારી પ્રશાસન સુધી પહોંચાડે. કારણ કે ગામ સજાગ રહે તો ડ્રગ્સનું દુષણ, અસામાજિક પ્રવૃત્તિઓ, સરકારી જમીન પર ધાર્મિક દબાણ જેવી અનેક પ્રવૃત્તિઓને અટકાવી શકાય છે. કપુરાશી ગામ ખાતે નાયબ મુખ્યપ્રધાનનું ઢોલ-શરણાઈ સાથે સ્વાગત કરાયું હતું અને ગ્રામજનોએ તેમને કચ્છી પાઘ પહેરાવીને આવકાર આપ્યો હતો. તેમણે સ્પષ્ટપણે ચેતવણી આપતા કહ્યું હતું કે, સરહદી વિસ્તારોમાં અનેક દબાણો પર બુલડોઝર ફેરવ્યા છે, હજુ પણ સરકારી જગ્યા પર કોઈ પણ સ્થળે ધાર્મિક કે અન્ય દબાણ હશે, તો તેના પર બુલડોઝર ફરશે.

આપણ વાંચો:  પત્ની સામે બદલો લેવા પતિ બન્યો રાક્ષસઃ બે વર્ષના માસૂમને પીંખી નાખ્યો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button