કચ્છમાં બર્ફીલા ઠારનો ચમકારો: નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડી વિસ્તારોમાં સતત થઇ રહેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ આક્રમણ જારી રાખ્યું છે ત્યારે કચ્છમાં પણ લઘુતમ તાપમાનનો આંક ચાલુ વર્ષમાં પ્રથમવાર સિંગલ ડિજિટ પર પહોંચી ગયો હતો. ગાત્રો થીજવી દેતી ઠંડીના મારથી જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે.
વિદાય લઇ રહેલાં 2025ના અંતિમ દિવસોમાં અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ૮.૮ ડિગ્રી સે.જેટલું નીચું તાપમાન નોંધાયું હતું, જયારે જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ૧૪.૪ ડિગ્રી સે.લઘુતમ તાપમાન નોંધાયું હતું. તેમાં પણ વળી ઉત્તર-પૂર્વ દિશાએથી પ્રતિકલાકે ૮ કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ રહેલા ઠંડાગાર પવનોએ માગશરની મારકણી ઠંડીની ધાર તેજ બનાવી છે. ગાંધીધામ-કંડલામાં ઠંડીનું જોર આંશિક વધઘટ સાથે યથાવત્ રહ્યું છે. કંડલા એરપોર્ટ ખાતે આજનું ન્યુનતમ તાપમાન ૧૫ અને કંડલા પોર્ટ ખાતે ૧૪.૮ ડિગ્રી સે. નોંધાયું હતું.
જમ્મુ કાશ્મીર,લેહ-લદાખ, ઉત્તરાખંડમાં થઇ રહેલી ભારે હિમવર્ષાને કારણે સતત વધી રહેલી ઠંડીની અસર હેઠળ વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ અનુભવાઈ રહેલી ઠંડકથી લોકોને ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇને રહેવું પડી રહ્યું છે.
દરમ્યાન, કચ્છના પર્યટન સ્થળો પર જેમાં ખાસ કરીને ધોરડોમાં ચાલી રહેલા રણોત્સવમાં આવેલા પ્રવાસીઓ ઠંડીના કારણે સફેદ રણને કાશ્મીર સાથે સરખાવી રહ્યા છે!
આ પણ વાંચો…કડકડતી ઠંડી માટે રહો તૈયારઃ નલિયામાં નવ ડિગ્રી, ગુજરાતમાં શીતલહેરની આગાહી



