મુંદરાથી હૈદરાબાદ જતાં ટેન્કરમાંથી અધવચ્ચેથી કાઢી લેવાયું ૩.૨૯ લાખનું હાઇડ્રોકાર્બન ઓઇલ
ભુજ: કચ્છમાં પેટ્રોલિમ પદાર્થોની તસ્કરી કરતી ટોળકી ફરી સક્રિય થઇ હોય તેમ હાઇડ્રોકાર્બન ભરીને મુંદરાથી હૈદરાબાદ તરફ જઈ રહેલાં ટેન્કરમાંથી ૩,૨૯૪૦૦ના મૂલ્યનું ૭૩૨૦ કિલોગ્રામ ઓઇલ રસ્તામાં જ સગેવગે થઇ જતાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે.
આ અંગે મુંદરા પોલીસને ગાંધીધામના ટ્રાન્સપોર્ટર દેવજી સામત જરુએ જણાવ્યું હતું કે, તેમની પેઢી હસ્તકનું ટેન્કર (નં. જીજે-૧૨-એઝેડ-૫૩૮૩)નો ચાલક ધર્મારામ ધમુરામ પ્રજાપતિ (રહે. બાડમેર રાજસ્થાન)એ ગત ૨૨મી ઓગસ્ટના રોજ મુંદરાના શિવ વેરહાઉસ ખાતે ટેન્કરમાં હાઇડ્રોકાર્બન ઓઇલ ભરાવીને હૈદરાબાદ તરફ ગયો હતો.
આ દરમ્યાન ધર્મારામને ફોન કરતાં તેણે જણાવ્યું હતું કે, માલ ડિલિવરી કરવાવાળી કંપનીથી થોડે દૂર છે અને આવતીકાલે પહોંચી જશે. બીજા દિવસે ફોન કરતાં ચાલકે ફોન બંધ કરી દીધો હતો. ટેન્કરનું જીપીએસ લોકેશન તપાસતાં ટેન્કર જે-તે કંપનીથી ૫૦ કિ.મી. દૂર ટ્રેસ થયું હતું. માલ મગાવનારા માલિકને ફોન પર જાણ કરતાં ત્યાં ચાલક વિના જ ટેન્કર મળ્યું હતું અને માલિકે ટેન્કરનું વજન કરતાં ટેન્કરમાંથી આશરે ૭૩૨૦ કિ.ગ્રા. હાઇડ્રોકાર્બન ઓઇલ ઓછું હતું.
ટેન્કરના ચાલક ધર્મારામે તેમનો માલ નિયત જગ્યાએ ન પહોંચાડી ટેન્કરમાંથી આશરે કિં.રૂા.૩,૨૯,૪૦૦ની કિંમતનું ઓઇલ સગેવગે કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.