ભુજ

કચ્છમાં કેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી કમી થયા? કેટલા મતદાન મથક વધ્યા, જાણો

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજ: મતદારયાદીને ક્ષતિ રહિત બનાવવાના પ્રયાસ અર્થે કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશથી હાથ ધરાયેલી સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન(SIR)ની કામગીરીના પ્રથમ તબક્કામાં ડ્રાફ્ટ મતદારયાદી ચૂંટણીપંચ દ્વારા જારી કરવામાં આવી હતી. સત્તાવાર રીતે મળેલા આંકડા અનુસાર કચ્છ જિલ્લામાં અત્યાર સુધી ૧૪,૭૬,૪૯૩ જેટલા મતદારોના ૮૭.૩૪ ટકા ડેટાને ડિજિટલાઈઝડ કરી દેવાયા છે. ટકાવારીની દૃષ્ટિએ અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીમાં માંડવી વિધાનસભા મતક્ષેત્ર મોખરે અને ગાંધીધામ મતક્ષેત્ર સૌથી છેલ્લે રહ્યું છે. કચ્છમાં ૨.૧૪ લાખ મતદારોનાં નામ કમી કરાયાં હતા. કચ્છમાં ૧૬૫ મતદાન મથક વધ્યા હતા.

કચ્છમાં કેટલા છે મતદારો

ડ્રાફ્ટ મતદારયાદીમાં કચ્છમાંથી ૨,૧૪,૧૭૫ મતદારનાં નામ કમી કરવામાં આવ્યાં છે. મુસદ્દા મતદારયાદી બાદ હવે કચ્છમાં ૧૪,૧૬,૪૦૯ જેટલા સત્તાવાર મતદારો નોંધાયા છે. આગામી ૧૭મી ફેબ્રુઆરીના રોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવશે. `સર’ની કામગીરી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા સમાહર્તા આનંદ પટેલ દ્વારા ભુજમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં મતદારયાદીની આંકડાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી.

મેપિંગ ન થયેલા મતદારોએ શું કરવું

આનંદ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા સરની કામગીરી હાથ ધરાઇ તે પૂર્વે સીમાવર્તી જિલ્લા કચ્છમાં ૧૬,૯૦,૫૮૪ મતદાર નોંધાયેલા હતા. આ કામગીરી બાદ ૧૪,૭૬,૪૦૯ મતદાર નોંધાયા છે. જિલ્લામાં ૬૫,૦૮૭ મતદારોનું મેપિંગ થયું નથી. મેપિંગ ન થયેલા મતદારો માન્ય આધાર-પુરાવા રજૂ કરી યાદીમાં નામ ઉમેરી શકશે.

હાલ નો મેપિંગ થયેલા મતદારોનાં નામ ડ્રાફ્ટ મતદારયાદીમાં યથાવત્ રખાયા છે. આ તમામ મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે. જે મતદારોનાં નામ મુસદ્દા મતદારયાદીમાંથી બાકાત કરવામાં આવ્યાં છે,તેવા મતદારો પણ ફોર્મ-૬ ભરી યાદીમાં નામ પુન: નોંધાવી શકશે. આવા ફોર્મની પુન: ચકાસણી બાદ આખરી મતદારયાદીમાં તેનો સમાવેશ કરાશે.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દસ્તાવેજ ચકાસણી બાદ આવા મતદારો અંગે ૧૭-૨ના અંતિમ નિર્ણય લેવાશે. માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજી તમામને ડ્રાફ્ટ મતદારયાદી આપવામાં આવી છે. મતદારો આગામી ૧૮મી જાન્યુઆરી સુધી આ મતદારયાદીમાં નામ છે કે નહીં તે ચકાસી શકશે.

વાંધા સૂચનો મળ્યા બાદ ૧૦મી ફેબ્રુઆરી સુધી તમામ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. જે રીતે એમ્યુનરેશન ફોર્મ ભરવા માટે મતદાન મથક ખાતે વિશેષ વ્યવસ્થા ગોઠવાઇ હતી, એવી જ રીતે ડ્રાફ્ટ મતદારયાદી જોવા પણ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ મતદારયાદી શુદ્ધ અને ક્ષતિરહિત બને તેમજ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી બાકાત ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મતદારોની સહાયતા હેતુ ૭૪ સહાયક મતદાર નોંધણી અધિકારીની નિમણૂક કરવામાં આવી હોવાનું જિલ્લા સમાહર્તાએ ઉમેર્યું હતું.

ક્યાં સૌથી વધુ મતદારના નામ કપાયા

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટે પ્રથમ તબક્કાની પૂર્ણ થયેલી સર કામગીરી અંગે જણાવ્યું હતું કે, કચ્છના છ વિધાનસભા મતક્ષેત્રમાં ગાંધીધામ ક્ષેત્રમાં સૌથી વધુ ૫૨,૧૭૬,અબડાસામાં ૩૦,૨૫૯, માંડવીમાં ૨૭,૮૧૪, જિલ્લા મથક ભુજમાં ૩૨,૬૮૨, અંજારમાં ૩૯,૯૬૦, રાપરમાં ૩૧,૨૭૪ મળીને કુલ ૧૨.૬૭ ટકા મતદારોનાં નામ મતદારયાદીમાંથી કાઢી દેવામાં આવ્યા છે.

ચૂંટણીપંચની નવી માર્ગદર્શિકા અનુસાર હવે ૧૨૦૦ મતદાર દીઠ એક બૂથ રાખવાનું હોઈ, મતદાન મથકનું પુનર્ગઠન કરાયું છે. કચ્છમાં ૧૬૫ મતદાન મથક વધતાં હવે જિલ્લામાં ૧,૮૪૮ના બદલે ૨,૦૧૨ જેટલાં મતદાન મથક પર ચૂંટણીઓ યોજાશે. પશ્ચિમ કાંઠાના અબડાસામાં ૨૨, માંડવીમાં ૩૮, ભુજમાં ૩૩, અંજારમાં ૨૫, ગાંધીધામમાં ૨૮ અને રાપરમાં ૧૯ મતદાન મથક વધ્યાં હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો…અમદાવાદમાં પાટીદાર ગઢમાં મતદારોની ‘સફાઈ’: આ વિધાનસભામાં જીતની લીડથી વધુ મતદારો યાદીમાંથી ગાયબ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button