સાડા ચારસો વર્ષ જૂની પરંપરા જીવંત: હમીરસર તળાવ છલકાઈ જતાં ભુજમાં રજા જાહેર કરાય | મુંબઈ સમાચાર
ભુજ

સાડા ચારસો વર્ષ જૂની પરંપરા જીવંત: હમીરસર તળાવ છલકાઈ જતાં ભુજમાં રજા જાહેર કરાય

ભુજ: કચ્છની ઓળખ સમાન ભુજનું હમીરસર તળાવ છલકાઈ જતાં જિલ્લા કલેકટર દ્વારા મંગળવાર તા. ૯-૯-૨૦૨૫ના સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. ભુજનું હમીરસર તળાવ રાજ્યનું એક માત્ર એવું તળાવ છે કે એ જયારે છલકાય છે ત્યારે રાજ્યની કચેરીઓમાં પણ સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. ભુજના લગભગ સાડા ચારસો વર્ષ જૂના આ તળાવ સાથે કચ્છી પ્રજાનું ભાવનાત્મક જોડાણ છે. આ તળાવનું એટલું વિશેષ મહત્વ છે કે વર્ષ 1970ના ગુજરાત સરકારના આદેશ મુજબ જયારે પણ હમીરસર તળાવ છલકાય છે, ત્યારે ભુજમાં રજા જાહેર કરવામાં આવે છે.

મળતી વિગતો અનુસાર છેલ્લા ૨૪ કલાકથી પડી રહેલા અવિરત વરસાદને પગલે કચ્છના ભાતીગળ બન્નીના ધોરડો પાસેનું સફેદ રણ જાણે દરિયો બની જવા પામ્યું છે, તો ખડીર પાસેના રણમાં પણ આવી જ પરિસ્થિતિ ઉભી થવા પામી છે. મેઘરાજાએ રાપરને ધમરોળતાં રાપર ખાતેના રબારી સમાજના છાત્રાલયના પ્રાંગણમાં વરસાદી પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ તેમાં ફસાયા હતા અને ૨૦ જેટલા વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા હતા.

આ પણ વાંચો: કચ્છની નાની સિંચાઈના ૧૭૦માંથી ૪૧ ડેમ ઓવરફ્લો: હમીરસર તળાવ ઓગની જવાનું કાઉન્ટડાઉન શરૂ

દરમ્યાન, કચ્છમાં મેળાની મોસમના અંતિમ પડાવમાં, નખત્રાણા તાલુકાના સાંયરા ખાતે યોજાતા મોટા યક્ષના મેળાને વરસાદે વેરવિખેર કરી નાખ્યો છે અને આ મેળાને વધુ ત્રણ દિવસ માટે લંબાવવાની જાહેરાત આયોજકો દ્વારા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. જિલ્લા સમાહર્તા આનંદ પટેલના જણાવ્યા પ્રમાણે હાલ તુરંત વરસાદ થંભી ગયો હોવા છતાં જ્યાં સુધી આ વરસાદી સિસ્ટમ વિખેરાશે નહીં ત્યાં સુધી કચ્છમાં તકેદારીના પગલાં ચાલુ રાખવામાં આવશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button