રાપરના આડેસરમાં હિસ્ટ્રીશીટરની અવૈધ હોટલ તોડી પડાઈ

ભુજ: પૂર્વ કચ્છ પોલીસ તંત્ર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવનારાઓ દ્વારા સરકારી જમીનો ઉપર કરવામાં આવેલાં દબાણને જમીનદોસ્ત કરવાની શરૂ કરેલી વિશેષ ઝુંબેશના ભાગરૂપે સીમાવર્તી રાપરના આડેસર ખાતે એક હિસ્ટ્રીશીટરની અવૈધ હોટલનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી અંગે મળતી વિગતો મુજબ કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર ખાતે સરકારી જમીન પર આરોપી હારૂન અયુબ હિંગોરજાએ આડેસર-સામખિયાળી ધોરીમાર્ગ પર ગેરકાયેદેસર ચણી દીધેલું ત્રણ માળનું આલીશાન મકાન તથા તેની બાજુમાં બે માળનું મકાન તથા પતરાના શેડ સાથે કુલ ૧૫ ચોરસ ફૂટ, સહારા હોટેલનું પાકું બાંધકામ ૧૦ ચોરસ ફૂટ સાથે કુલ ૨ સહારા હોટલ પર બુલડોઝર ફેરવી, ૨૫૦૦૦ ચોરસ ફુટ જેટલી સરકારી જમીનને દબાણમુક્ત કરી દીધી હતી.
દબાણકર્તા એવા હારુન અયુબ હિંગોરજા સામે ગેરકાયેદે ખનીજ ખનન, જાનલેવા હુમલો, લૂંટ જેવા અનેક કેસો નોંધાયા હોવાનું આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.વાળાએ જણાવ્યું હતું.
આપણ વાંચો: વડોદરામાં ભરઉનાળે પાણી કાપઃ પાંચ લાખ લોકોએ સહનકરવાની રહેશે પરેશાની