કચ્છમાં શિયાળે ચોમાસું વાતાવરણ: ભુજ, અંજાર, રાપર સહિતના મથકોએ કમોસમી વરસાદ | મુંબઈ સમાચાર
ભુજ

કચ્છમાં શિયાળે ચોમાસું વાતાવરણ: ભુજ, અંજાર, રાપર સહિતના મથકોએ કમોસમી વરસાદ

ભુજઃ ચોમાસાની સત્તાવાર વિદાય વચ્ચે અરબી સમુદ્રમાં સર્જાયેલી મોસમી ગડબડીના કારણે રાજ્યભરની સાથે સીમાવર્તી જિલ્લા કચ્છના વાતાવરણમાં અચાનક આવેલા પલટા સાથે ભરશિયાળે કમોસમી માવઠું વરસી રહ્યું છે અને આ રણપ્રદેશના દસમાંથી છ તાલુકાઓમાં અંદાજે દોઢેક ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસી જતાં લોકોને મોસમના અનિશ્ચિત મિજાજનો પરચો મળ્યો હતો.

આજે ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં બપોરના બાર વાગ્યા બાદ જોશભેર વરસાદી ઝાપટાં વરસવા શરૂ થતાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યાં હતાં. પૂર્વ કચ્છના અંજાર શહેરમાં સુસવાટા મારતા પવનોના સંગાથે કરા પડયા હતા અને આ ઐતિહાસિક શહેરમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આપણ વાચો: ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠું: ૨૧૨ તાલુકામાં કમોસમી વરસાદ

જયારે નગર માંડવી અને આસપાસના ગામોમાં જોરદાર ઝાપટું વરસી ગયું છે. એ જ રીતે,સીમાવર્તી ખાવડા અને આસપાસના ગામોમાં પણ જોરદાર વરસાદી ઝાપટા વરસ્યાં હોવાના અહેવાલો મળી રહ્યા છે, જયારે ભચાઉ અને તેની આસપાસના વિસ્તારો,રાપર પંથકમાં અંદાજિત અડધાથી લઇ એકાદ ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો હતો.

લખપત તાલુકાના વર્માનગર, ઘડુલી, દયાપર, મેઘપર, નારાયણ સરોવર સહિતના ગામોમાં ઝાપટું વરસ્યું હતું. જયારે અબડાસામાં પણ છૂટાછવાયાં વિસ્તારોમાં હળવા છાંટા વરસ્યાં છે. અંજાર-ગાંધીધામ સંકુલમાં પોણો ઇંચ કમોસમી વરસાદ વરસી જતાં નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.

અચાનક આવી ચડેલી વરસાદી આફતના પગલે લઘુત્તમ તાપમાનનો પારો નીચે ગગડીને સરેરાશ ૨૩-૨૫ ડીગ્રી સેલ્સિયસ વચ્ચે રહેતાં ભેજયુક્ત ઠંડીથી જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે.

દરમ્યાન, આ વિચિત્ર ઋતુના પગલે કચ્છમાં શરદીજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button